પૃષ્ઠ:Mansaina Diva.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નિવેદન
[૧૩]
 

થઈ જવા આવેલા દીવામાં તેલ પૂરનારો કોઈક પણ સાચો પુરુષ ભેટી જતાં દીવા કેવા સતેજ બને છે, તેની એક સળંગ કથા આ જૂજવા પ્રસંગોમાંથી વણાઈ રહે છે.

મારા લેખક-જીવનમાં તો આ એક મોટી વધાઈનો પ્રસંગ છે. આજ સુધી સૌરાષ્ટ્રનાં જ માનવીઓની ધિંગી ધિંગી, અણઘડ આકારની વીરતા, ખાનદાની, નાદાની ને કોમળતાના પ્રદેશો ઢૂંઢતો હતો. ગુજરાત સુધી પહોંચવાની આશા નહોતી. જનતાનાં જીવન-પડોમાંથી જન્મ્યા વગર કે એ પડોનાં જ પાણી પીધાં વગર, એની હવાનો પ્રાણવાયુ લીધા વગર કે એની માટીમાં આળોટ્યા વગર એ જનતાની પિછાન શક્ય નથી હોતી. મારા સૌરાષ્ટ્રના કાર્યક્ષેત્રની બહાર જઈને અન્ય કોઈ જનસમૂહની ધરતીમાં રોપાવાનો મારે બહુ સંભવ નહોતો. પણ મને મહારાજ ભેટ્યા. મહીકાંઠાની જનતાના સકળ પ્રાણતત્ત્વોમાંથી ઘડાયેલા એ પુરુષ ન ભેટ્યા હોત, એને બદલે કોઈક બીજાએ વાતો કરી હોત, તો હું આજે અનુભવી રહ્યો છું તેવી મીઠી આત્મસાતતા આ ગુજરાતી પાટણવાડિયા-બારૈયાનાં જીવન જોડે ન અનુભવી શક્યો હોત; પરિણામે એમને વિષે લખી પણ ન શક્યો હોત. બીજું તો ઠીક, પણ એમની ભાષાની તાકાત પણ મને કોણ પકડાવત ?

લખાઈને 'ઊર્મિ' માં પ્રગટ થતી ગઈ તેમ તેમ આ વાતો મહારાજની નજરે પણ પડતી ગઈ. એમને એક વિસ્મય થયું કે, ખરેખર શું આ પ્રસંગો સાહિત્યની સૃષ્ટિમાં સ્થાન પામી શકે તેવા છે ? અમને બે-ચાર જણને એમણે પૂછ્યું યે ખરું કે, શું સાહિત્યનાં પ્રેમીજનો આ લખાણનો આદર કરે છે ? અમે એમને એક કરતાં વધુ વાર ખાતરી આપી કે આ વાતોમાં સાહિત્યના ઉચ્ચ ગુણો પડેલા જ છે. કદાચ આ સંશય એમનામાંથી પૂરેપૂરો ન પણ ટળ્યો હોય. પણ મારો મુદ્દો જુદો છે. મહારાજ જેવા સંસ્કારસંપન્ન, સંસ્કૃત જ્ઞાન ધરાવતા, ભાષાના સ્વામીનેયે જો આપણી 'દુનિયા'ને વિષે આવા સંશયો સતાવતા હોય તો આપણી દુનિયાની સંકીર્ણતાનો અદ્યાપિ પર્યંત પૂરો લોપ થયો નથી એ સાચું કે નહિ ?

આ પુસ્તક શ્રી વલ્લભભાઈ પટેલને અર્પણ કરવાની સ્ફુરણા મને એકાએક થઈ હતી. પણ એમની નિકટનો આત્મજન હોવાનો દાવો હું કરી