પૃષ્ઠ:Mansaina Diva.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
‘રોટલો તૈયાર રાખજે !’
૧૦૩
 


"જોશીકૂવે નવું પરું વસાવેલ છે ત્યાં; મારે ઉતારે મેં કહ્યું કે, હીંડ, વડોદરે સોંપી દઉં. એ કબૂલ થયો. રાતે ને રાતે અમે હીંડી નીકળ્યા. મહી પાર કરીને આવ્યા. તમે ઘેર નહોતા, એટલે સ્ટૅશને સોંપવા આવ્યો છું."

"તો હવે?"

"હવે ચલો પાછા પેટલાદ; ત્યાં સોંપીશ, અહીં નહિ."

"વારુ ચાલો."

પેટલાદ જઈને વડા પોલીસ અધિકારીએ મોતીને પેટલૂર ખવરાવ્યું; ને પછી મહારાજ મોતીને છેલ્લી વારના મળ્યા. મોતી કહે:

"હેં મહારાજ ! વકીલ રાખીને બચાવ કરીએ તો કેમ ?"

"તારી સામે તો બેઉ રસ્તા ખુલ્લા છે, મોતી! એક મારો, ને બીજા વકીલનો. મારો રસ્તો ગુનો કબૂલી લેવાનો છે. એ રસ્તે તારો તદ્દન છુટકારો નથી; પણ સજા એક, બે કે પાંચ વર્ષની અથવા જનમટીપની યે થાય, પણ ફાંસી ન થાય. અને વકીલને રસ્તે જતાં કાં ફાંસી મળે અથવા તો તદ્દન નિર્દોષ છુટાય. તું તારે ઠીક લાગે તે માર્ગ લેજે!"

એમ કહીને મહારાજ ગયા. "મોતીને મારપીટ ના કરશો." એટલું જ એ પોલીસ અધિકારીને કહીને ગયા.

મોતીએ વકીલનો માર્ગ લીધો, ને એ માર્ગે એને દોઢ જ વર્ષની સજા થઈ. બચાવ એવો લાવવામાં આવ્યો કે, રાવણિયો જ્યાં ઊભો હતો ત્યાં ટેકરો હતો. મોતી નીચે ઊભો હતો. રાવણિયો મોતી પર ધસી આવ્યો ને મોતીએ પોતાના રક્ષણ માટે આડે ધરી રાખેલ ભાલો રાવણિયાની છાતીમાં પરોવાઈ ગયો.

મોતી હયાત છે. મહારાજને મોતીએ ગ્રહણ કરેલ માર્ગનું દુઃખ નથી; મોતી બચ્યો તેનો એને આનંદ છે. મહારાજના વર્ણનમાં વારંવાર એક ચિત્ર ઝલકી રહે છે:

'પોલીસે આવી ઘરમાં જોયું ત્યારે ચૂલા પર ક્લ્યાઢામાં રોટલો જેમનો તેમ પડ્યો હતો અને મૂળા બે કરમાઈ ગયા હતા!'