પૃષ્ઠ:Mansaina Diva.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૮
માણસાઈના દીવા
 

ધણીને મૂકીને અને મા પેટનાં છૈયાંથી છૂપી છૂપી ખાય – એ તો, મહીજી, પૃથ્વી રસાતાળ જવા જેવું. કુદરતના કાનૂન બદલી ગયા !”

મહારાજનું કાળજું વલોવાઈ ગયું. એને લાગ્યું કે આ કરતાં તો મહીજી ચોર હતો તે જ ભલો હતો. મહીજીએ કહ્યું: “તો હું બંધ કરું. પણ એથી કશો ફેર નહીં પડે.”

“શાથી?”

“ગામમાં એક લવાણો ને એક પાટીદાર – બે જણા આવી જ રીતે મીઠાઈ વેચે છે !"

મહીજીની વાત મહારાજ ને સાચી લાગીઃ ને એના મનમાં પ્રશ્ન જાગ્યોઃ આ ભ્રષ્ટાચાર ગામડામાં કોણ પહેલું લઈ આવ્યું? ને આ જાહેરમાં અનીતિ શાથી ચાલુ રહે છે ? વ્યક્તિગત સાચવણીની વૃતિએ જોર કર્યું તેથીસ્તો ! જાહેર અનીતિનો કોઈ વિરોધ કરે નહીં કારણ કે સૌ વિચારે છે જ વ્યક્તિગત દૃષ્ટિએ - કે, 'મૂઉં ! ભેંસના શીંગડાં ભેસને ભારે પડશે. આપણે શું ! આપણે આપણી જાતને સાચવીને રહો !”

એ મનોદશા ભયંકર છે.

એ પરિતાપ સાથે પોતે ટ્રેનમાં બેઠા.