પૃષ્ઠ:Mansaina Diva.pdf/૧૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૨
માણસાઈના દીવા
 

આવતાં.

છોકરાએ રાત ખેંચી કાઢી. દાક્તર કહે : " હવે ભો નથી." એટલે મહારાજે કહ્યું : "શનિયા ! તું-તારે હવે જા. તારે ખેડકામ ખોટી થાય છે. જા હું અહીં છું. છોકરાને લઈને આવીશ."

શનિયો ઊભો થયો. મહારાજ એને રેલમાં બેસારવા સાથે ચાલ્યા. એ તો છોકરાને કશું કહ્યા વિના, એની સામું પણ સરખી રીતે જોયા વિના, દવાખાનાની ઓરડીમાંથી બહાર નીકળવા માંડ્યો.

"કેમ, 'લ્યા !" મહારાજે પૂછ્યું : "કેમ ઊભો?"

શનિયો લજ્જા પામતો પામતો હસ્યો, અને અપ્છી માંડ માંડ બોલ્યો.

"જતાં દિલ થતું નથી."

"શાથી, 'લ્યા ?"

"આ છોકરો છે ના, દાદા, તે એવો એ મારાં સરવે છોકરાંથી વધુ ડાહ્યો છે."

"શાથી?"

"એ તો એમ, દાદા, કે ઘરમાં જે દા'ડે દાણા નો'ય, તે દા'ડે બાકીના બધાં છોકરાં ખાવાનું પામ્યા વગર રડારોળ કરી મૂકે, પણ આવો આ ભૂખ્યો છાનોમાનો પડ્યો રહે- ચૂં કે ચાં ન કરે, હો દાદા ! ખાવા નહોય ત્યારે રડૅ-કરે નહિ. તેથી કરીને આવો આ મને વધુ ડાહ્યો લાગે છે. તેથી કરીને જતાં જીવ મૂઓ ચાલતો નથી."

એટલું કહીને ફરી વાર મોં મલકાવીને લજવાતો શનિયો ઊભો થઈ રહ્યો. પન પછી પોતે કંઈક અનુચિત બાબત કહી નાખી હોય એમ માનીને સ્ટેશન ભણી વળ્યો.

વીશેક દિવસે છોકરાંને સાજોનરવો લઈને મહારાજ પાછા વળ્યા. રસ્તામાં એણે કહ્યું " "અલ્યા, તું મારી જોડે રહીશ ? હું તને પેટ ભરીને ખવરાવીશ-પિવરાવીશ; તને ભણાવીશ."