પૃષ્ઠ:Mansaina Diva.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૧૪]
માણસાઈના દીવા
 

શકું તેમ નહિ, એટલે એમની પરવાનગી માગવાની મારી ફરજ લાગી. એ પરવાનગી એમણે પ્રસન્ન હૃદયે આપી છે તે માટે હું એમનો ઋણી છું. '૩૦ ના સંગ્રામમાં હું જાણે કે ભૂલો પડીને કારાગૃહમાં ડોકિયું કરવા ગયેલો, તે વેળા બેએક મહિના પોતે પણ સાબરમતી જેલમાં અમારી વચ્ચે હતા. મારા પ્રત્યેનું એમનું તે કાળનું વાત્સલ્ય મારા હૃદયમાં જે સ્થાન કરી ચૂક્યું છે, તેને મારી એકાદી ચોપડીમાં અંકિત કરવાનો લોભ જતો કરી શક્યો નથી.

રાણપુર: ૧૯૪૫
ઝવેરચંદ મેઘાણી
 


[બીજી આવૃત્તિ]

ચાર જ મહિનામાં આ પુસ્તક નવી આવૃત્તિમાં પ્રવેશ કરે છે. તદુપરાંત, જાણીતાં તેમ જ અજાણ્યા સંખ્યાબંધ વાચકો તરફથી આ કૃતિને માટે વિશિષ્ટ પ્રકારનાં અભિનંદનો મળ્યાં છે. મને પણ થાય છે કે, જીવનમાં અણચિંતવ્યું એક સંગીન કાર્ય થઈ ગયું : જીવનની સમૃદ્ધિ ઠીક ઠીક વધી ગઈ, ગુજરાતને પણ એનામાં પડેલા ખમીરનું નવું દર્શન લાધ્યું.

કશા સુધારા વગર નવી આવૃત્તિ બહાર પડે છે, તે વખતે એક ખુલાસો જરૂરી બને છે. બાબર દેવાનું ચરિત્ર આ પુસ્તકમાં શા માટે સ્થાન પામી શક્યું, તેવી શંકા કેટલાંકને થઈ છે. કારણ તેઓ એવું આપે છે કે, અન્ય તમામ કિસ્સાઓમાં માનવીની માણસાઈના દીપક પ્રકાશિત બની રહે છે. અને ઉચ્ચગામી અંશો રમણ કરે તેવું કશુંય બન્યા વગરનો બાબર દેવાનો ઇતિહાસ નરી ક્રૂરતા અને અધોગામિતાથી ભરપૂર છે.

આવા કારણસર મારે બાબર દેવાને અહીં સ્થાન નહોતું આપવું જોઈતું એવી દલીલ બરાબર નથી; કારણ કે બાબર દેવાની બહારવટાકથા તો મહારાજ કેવી સમાજ-સ્થિતિની વચ્ચે કામ કરી રહ્યા હતા તેના સર્જનને સારુ પૂરી આવશ્યક બને છે. બાબર દેવા અને એની સાથે સંબંધ ધરાવતા સંખ્યાબંધ નાનાં-મોટાં પાત્રોનાં આલેખન દ્વારા તેમ જ એ બધી ઘટનાઓના રજેરજ ચિતાર દ્વારા આપણને મહારાજ જેની સાથે મુકાબલો કરી રહ્યા હતા તે સમગ્ર દુનિયાનો દસ્તાવેજી પરિચય સાંપડે છે. મારી તો વાચકોને એવી ભલામણ છે કે અન્ય તમામ પ્રસંગચિત્રણોને જો એના સાચા 'સેટિંગ' વચ્ચે નિહાળવાં