પૃષ્ઠ:Mansaina Diva.pdf/૧૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
‘બ....હુ....ઉ લાંબું દેખું છું’
૧૧૫
 

પૂછ્યું હતું કે, "આવો મોટો એ કોણ છે !" ત્યારે જાણ્યું હતું કે, એ વ્યારા તાલુકાના શુદ્ધ આદિવાસી – ગામીત છે : નામ અમરસંગ છે : બાપ ભગત છે : ઘરે અન્નક્ષેત્ર ચાલે છે.

તે પછી ૧૯૨૯માં વ્યારા તાલુકામાં દારૂ – નિષેધની ચળવળ માટે ફરતા હતા, ડોસવાડા ગામે સભા હતી, તેમાં એક રેશમી ફટકાવાળા રૂપાળા જુવાને સુંદર ભાષણ કર્યું હતું. મેં પૂછેલું :

"આ કોણ છે ?" જાણવા મળેલું કે, "રાનીપરજ વિદ્યાર્થી છે : અમારે એક ભગત છે તેના પૌત્ર છે : એને ઘેર અન્નક્ષેત્ર ચાલે છે."

ત્યારથી ભગતને જોવાને ઈચ્છા હતી. એ દિવસે જઈને જોયા : કાળો કીટોડા જેવો સાવ સૂકલ દેહ. એક પોતડીભેર; બોખું મોં, લાકડી પર હાથ ટેકવીને નમેલું શરીર.

મેં નમસ્કાર કર્યા. સામા એણે કર્યા. પણ મોં તો હસ્યા જ કરે : હસવું મોં પરથી ક્ષણ પર ખસે નહીં.

પ્રાથમિક પૂછપરછ ને પિછાન પછી મેં પૂછ્યું : "ભગત, કેટલી ઉંમર હશે ?"

"ઉંમર !" હસી રહેલા એ શ્યામ, સૂકલ બોખા મોંએ જવાબ દીધો : "ઉંમરની તો શી ખબર ! લાંબું દેખું છું; બ........હુ........ઉ લાંબું દેખું છું. સરકારનું રાજ નો’તું ત્યાર વેળાનો છું. ચાલો, ઘેર જઈએ."

ચાલતાં ચાલતાં મેં પૂછ્યું : "દારૂ પીઓ છો ?"

"ના. પણ તમારા જેવડો જુવાન હતો ત્યારે પીતો." નેં મોં હસ્યા જ કરે.

"તમારા પિતા પીતા ?"

"હા એ પીતા, પણ પછી છોડેલો — એક સાધુના કહેવાથી પોતે છોડ્યો, પણ મને કહે કે "બેટા, દારૂ બહુ ખરાબ છે : ન પીવો જોઈએ.... પણ તું પીજે !" બાપે એમ ‘પીજે’ કહ્યું તેથી મેં પણ છોડ્યો."

"બાપાએ કેમ કહ્યું કે, ‘પીજે’ ?’’ મેં નવાઈ પામીને પ્રશ્ન કર્યો. ભગત કહે :

"એમ કહ્યું, કારણ કે હું તેનો એકનો એક દીકરો પીતો