પૃષ્ઠ:Mansaina Diva.pdf/૧૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
‘બ....હુ....ઉ લાંબું દેખું છું’
૧૧૭
 

તો પરમેશ્વર આલે નહિ. એ કહે કે, લોકો લઈ જશે. મેં કહ્યું : લઈ શીદ જાય ? તો કહે કે, ખાવા. મેં કહ્યું કે, અમરસંગ, ખાવા માટે તો દાણા છે; દાણાનો બીજો શો ખપ છે ? ખાવા દેને જેટલા ખાવા હોય તેટલા !"

દાણા વિશેનું સાચું તત્ત્વજ્ઞાન ચર્ચતો કોઈ દાર્શનિક આ ડોસાની અંદર મને દેખાયો. મેં કહ્યું : "પછી ?"

"પછી તો ખૂબ મે’ વરસ્યો, ડાંગરનો પાક ઊગ્યો. પણ પાકવા આડો એકાદ મહિનો રહ્યો, ને અમારું અનાજ ખૂટ્યું. એક દિવસ અમારા ઘરમાં ફકત એક જ ટંક ચાલે તેટલા વાલ રહ્યા : બીજું કંઈ ન મળે. અમરસંગની વહુએ આંધણ મૂક્યું. વાલ ઓરવાની ઘડી વાર હતી તે જ વખતે છોકરાં બહારથી દોડી આવીને કહેવા લાગ્યાં : જંગલમાં ચાર ફકીર છે ! (જંગલ અમારા ઘર પાસે જ હતું.)

"ફકીર છે એ સાંભળીને તરત મેં કહ્યું : ‘વહુ વાલ ઓરશો નહિ.’"

બોખું મોં હસ્યું, ને પાછું ચાલતું થયું :

"વાલ હતા તે ચારે ફકીરોને આપી દીધા. એમણે એ રાંધીને ખાધા. અમે સૌ ભૂખ્યાં રહ્યાં. પણ વરસાદ વરસવા લાગ્યો, એટલે ફકીરો તો રોકાઈ રહ્યા; એટલે આખી રાત મારા મનમાં એ જ વિચાર ચાલ્યા કર્યો કે, સવારે ફકીરોને શું આપશું.... !"

અહીં મેં વિચાર્યું : ‘આ તો જુઓ ! સવારે પોતે અને કુટુંબ શું ખાશે એનો વિચાર એને ન આવ્યો, ફકીરોનો આવ્યો !’ આટલા વિચાર પછી મહારાજે ભગતની કથાનો ત્રાગડો પાછો પકડ્યો :

"મેં અમરસંગને કહ્યું કે હવે બીજે ટંકે ફકીરને શું આપશું ? છોકરો કહે કે, બાપા, ચાલો વ્યારે; ત્યાંથી આપણે દાણા ઉછીના લઈ આવીએ. મેં કહ્યું કે, આપણને કોણ આપશે ? છોકરો કહે કે, આપશે; ચાલો."

"અમારું ગાડું વ્યારાની ભાગોળે પહોંચ્યું. ત્યાં એક શેઠ સામા મળ્યા. હું તો એને નહોતો ઓળખતો; પણ મને એણે ઓળખ્યો, અને