પૃષ્ઠ:Mansaina Diva.pdf/૧૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૮
માણસાઈના દીવા
 

નવાઈ બતાવી : ‘અરે ભગત ! તમે અહીં ક્યાંથી ?’ કારણકે હું કદી અગાઉ વ્યારા જેટલેય આવેલો નહિ. મેં કહ્યું : ‘દાણા ઉછીના લેવા આવ્યો છું.’ એ કહે કે, ‘જોઈએ તેટલા લઈ જાવ ને ! ચાલો; તમારે દાણા જોઈએ તો કોણ નહિ આપે !’

"ગાડું શેઠે પોતાની દુકાને હંકારાવ્યું. દુકાને જઈને મેં કહ્યું : કળશી ચોખા આપો, ને બીજા એક મણ શક્કઈ (ઊંચા ચોખા) આપો.

"માગ્યા તેટલા શેઠે આપ્યા. ગાડું ભર્યું ને પછી મેં છોકરાને કહ્યું : ‘અમરસંગ, તું જા; હું અહીં શેઠનું કામ કરવા રોકાઈશ. તું આપણો પાક થાય ત્યારે ચોખા ભરીને પાછો આવજે, ને મને લઈ જજે.’ અમરસંગ ગાડું હાંકીને ચાલવા માંડ્યો ત્યારે શેઠની નજર મારા તરફ પડી. મને બેઠેલો જોઈને શેઠે કહ્યું : ‘અરે, તમે કેમ રોકાયા ?’

"મેં કહ્યું : ‘તમારું કામ કરવા..’

"‘કામ શાનું ?’

"‘કેમ ! તમારા દાણા લીધા તે પાછા આપું ત્યાં સુધી તમારે ઘેર કામ કરવા રહેવું જ જોઈએ ને ?’

"અરે ભગત, તમે આ શું બોલો છો ? તમારી પાસે કામ કરાવાય ! અને મેં તમને ક્યાં ઉછીના આપ્યા છે ? તમે તો ઘણાંને દીધું છે.’

"પછી તરત જ મને એ ગાડામાં વિદાય કર્યો. હું ઘેર ગયો; અને વરસ સારું પાક્યું. એટલે બધા દાણા વાણિયાને ચૂકવી આપ્યા. પછી ગામનાં લોકો બધાં ભેગાં થયાં, અને મને કહે : ‘ભગત, તમે કાળ વરસમાં લોકોને દાણા પૂર્યા, માટે તમારી ધરમની ધજા બંધાવો.’"

લોકોના આ શબ્દો સંભારીને ભગત મારી સામે જોઈને હસ્યા, અને કહેવા લાગ્યા કે, "ધરમની ધજા તે બંધાવાય ? મેં શું દાન કર્યું છે તે હું ધરમની ધજા બંધાવું ! અમારા ખાતાં જે વધ્યું, તે અનાજ અમને શા ખપનું હતું ? એ અનાજ લોકો ના વાપરે તો તેનું શું થાય ? વધેલું અનાજ વાપરવા આલ્યું તેની તે કાંઈ ધરમની ધજા હતી હશે ? અમને