પૃષ્ઠ:Mansaina Diva.pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
‘બ....હુ....ઉ લાંબું દેખું છું’
૧૧૯
 

તો અનાજનો કોઈ દિવસ તૂટો આવ્યો નથી."

પછી મારી સામે જોઈને ફરી પાછા બોલ્યા—ને આ બોલતી વખતે તેમના મોં પર હાસ્ય નહોતું :

"પણ હવે તૂટો આવવા લાગ્યો છે. અમારે અમરસંગનો છોકરો છે ને, તે આમ ક્યાંક દૂર દૂર ભણવા ગયો છે," એમ કહીને એમણે કોઈ દૂર અગમ્ય સ્થળ બતાવવા પોતાનો હાથ લંબાવ્યો. "અને તે એકલો જ અમારા આખા કુટુંબ જેટલું ખાઈ જાય છે."

પ્રથમ તો હું ન સમજ્યો; પછી મને સમજ પડી કે આ ભગતનો પૌત્ર કવિવર ટાગોરના ‘શાંતિનિકેતન’ માં ભણતો હતો, અને ત્યાંના ભણતરના ખર્ચની જે મોટી રકમ પૂરવી પડતી હતી તેને માટે વેચી નાખવા પડતા ઘરના દાણાના મોટા જથ્થાને અનુલક્ષીને ભગત આમ બોલ્યા કે, ‘તે એકલો જ અમારા આખા કુટુંબ જેટલું ખાઈ જાય છે !’

આધુનિક કેળવણી ઉપરનો આ કટાક્ષ અતિ વેધક હતો ! પણ ભગત એ કટાક્ષરૂપે નહોતા બોલ્યા. પોતાને નથી સમજાતું એવું કંઈક કુટુંબ-જીવનમાં બની રહ્યું છે, એટલો જ એનો મર્મ હતો.

"ને હવે તો—" ભગત ફરી પાછા હસીને બોલ્યા : "હવે તો ગાડી થઈ ગઈ, એટલે ડાકોરથી નાસિક જતાં સાધુઓ અહીં નથી આવતા—પણ ધગડા આવે છે !"

’ધગડા’ એટલે પોલીસ !

"અને—" ભગતે છેલ્લો બોલ ઉમેર્યો : "અને એ પણ અહીં ખાય છે."

અમારી વાત પૂરી થઈ, અને મારે ભગતને ઘેર રાત રોકાવું પડ્યું; કારણ કે પોતાને ત્યાં આવનાર કોઈને પણ એ જમ્યા વિના જવા દેતા નહિ, અને હું એક ટંક આહાર લેતો હોવાથી સાંજે મારાથી જવાય તેમ નહોતું. વળતે દિવસે જમીને હું ત્યાંથી નીકળ્યો. તે ઘડીથી આજ સુધી મારા મનમાં એક વાક્ય ગુંજી રહ્યું છે : ‘લાંબું દેખું છું. બહુ..બહુ લાંબું દેખું છું. સરકારનું રાજ નહોતું તે પૂર્વે હું હતો.’