પૃષ્ઠ:Mansaina Diva.pdf/૧૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૦
માણસાઈના દીવા
 


તે દિવસથી હું કાળા કીટોડા જેવા, સૂકલ હાડપિંજરશા, એક જ પોતડીભર રહેતા અને નિરંતર હસ્યા જ કરતા ગામીત આદિવાસીને ‘કળિયુગના ઋષિ’ કહી ઓળખાવું છું.

કળજુગના ઋષિ એ અર્થમાં કે, ગીતામાં જે અનાસક્તિયોગ કહ્યો છે. તેનું સવાયું આચરણ મને આ માણસમાં દેખાયું છે. પોતાની જરૂરિયાતો પ્રત્યે ઉદાસીનતા હોવા છતાં કાર્યમાં તો એ ખૂબ રસ બતાવતા અને પ્રયત્નવાન રહેતા. પોતાને ખાવા પૂરતું અનાજ તો એ દોઢ-બે વીંઘામાંથી ઉત્પન્ન કરી લેત, પણ તે છતાંય જમીન વધાર્યે જ જતા, વધાર્યે જતા—અને લોકો માટે એ અનાજ આપી દેતા. જમીન વધારતાં નીપજ વધી, પણ એની જરૂરિયાત વધી ન હતી. આવો નિષ્કામ કર્મયોગ આચરતા એ યોગી હતા. થોડાં વર્ષ પર જ એ ગુજરી ગયા.