પૃષ્ઠ:Mansaina Diva.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૨
માણસાઈના દીવા
 


ભારો બાંધતી જીવીએ ચમકીને ઊંચે જોયું બોલનારને ઓળખી કહ્યું : "આવો લખા પટેલ !" આવકારો તો આપ્યો, પણ ચોમેર જીવી ચકળવકળ જોવા લાગી : સુભાગ્યે સીમનાં લોકો છેટેરાં હતાં.

"જીવી !" લખા પટેલ નામે ઓળખાતા સામા ગામ બનેજડાના પાટીદાર યુવાન લક્ષ્મીદાસે કંઈક દીન અને નમ્ર અવાજે પૂછ્યું : "તું ચ્યમ સાસરે આવતી નથી ?"

જરી વાર તો જીવી અકળાઈ પડી. લખો પટેલ પણ મૂંઝાતો હતો પણ એણે હામ ભીડીને કહ્યું : "મને પૂછવા જ ખાસ મોકલ્યો છે."

"કુંણે - તમારા ભાઈબંધે ?" સામો પ્રશ્ન કરતાં કરતાં જીવીનું મોં કાનના મૂળ સુધી લાલચોળ થઈ ગયું.

લખા પટેલે ડોકી હલાવીને હા પાડી, અને બેનેજડાની સામી સીમ તરફ દૃષ્ટિ ચીંધાડી. મથુર ત્યાં નીચો વળીને દાતરડી ચ્લાવી રહેલો દેખાયો. આ બાજુ એ જોતો નહોતો - જાણીબૂઝીને જ કદાચ.

"મૂવું !" જીવી જવાબ ગળી ગઈ : "નથી આવવું..." કહેતી જીવી ઘાસના ભારા ઉપર પગ મૂકીને આ સંકડામણભરી સ્થિતિને ટાળવા મથતી હતી.

"પણ કારણ તો કંઈ કહીશ ને, જીવી ? તારાં માવતર ના પાડે છે ?"

"લો, જુઓ તો ! માવતર કેવા સારુ ના પાડે, લખા પટેલ ! એ બાપડાં તો રોજ 'જા-જા' કરે છે."

"તો શું, તારે નથી આવવું ? કારણ તો કહીશ ને ?... મથુરનાં માવતર ગમતાં નથી ?"

"એ શા સારુ ના ગમે ?" જીવીએ ઊડ ઊડ થતું ઓઢણું મોંમાં દાંત વચ્ચે પકડ્યું.

"તો શું મારો ભાઈબંધ નથી ગમતો ?"

"એવું તે કાંઈ હોય ?"

"તો શું કારણ છે ?"