પૃષ્ઠ:Mansaina Diva.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નિવેદન
[૧૫]
 

હોય, એનું ખરેખરું મૂલ્યાંકન કરવું હોય, એની સુંદરતા-શોભા સમજવી હોય, તો પહેલાં પ્રથમ 'બાબર દેવા' વાંચીને પછી બાકીના આલેખનમાં પ્રવેશ કરવો. બાબર દેવાની કથા તો 'માણસાઈના દીવા'નું પ્રવેશદ્વાર છે.

ઉપરાંત, આ પણ મહત્ત્વનો એક મુદ્દો છે કે, જેને જેને મહારાજનો ભેટો થયો તે પાત્રોને કેવા પ્રકારનો રંગ લાગ્યો, અને જેઓ એથી વંચિત રહી ગયાં તેમનાં પગલાં કેવે જુદે પંથે ઊતરી ગયા. બાબર દેવા એનું દૃષ્ટાંત પૂરું પાડે છે. બાબરને પોતે કેમ મળી ન શક્યા તે પ્રશ્ન તો મારાથી પણ મહારાજને સ્વાભાવિક રીતે પુછાઈ ગયો હતો.

જવાબમાં મહારાજે મને જણાવ્યું છે કે રાસ ગામ પાસે સૂદરણા નામે ગામ છે ત્યાં પોતાને મળવા બાબર દેવાએ મહારાજને સંદેશો મોકલાવ્યો, મહારાજ તે દિવસ બહારગામ હતા, આવ્યા ત્યારે બાબરનો સંદેશવાહક મળ્યો. પોતે બહારવટિયા પાસે જવા ચાલ્યા જતા હતા; પણ માર્ગે એક-બે માણસો મળ્યા, તેમણે મહારાજને સૂચક હાસ્ય કરીને કહ્યું: કાં, મહારાજ, કંઈ ચાલ્યા?—તંઈ કે !

મહારાજ ચેતી ગયા: ‘નક્કી બાબરના માણસે ગામના અન્ય એક-બે જણાને વાત કરી લાગે છે ! એટલે કે પોલીસને વાત પહોંચી ગઈ હોવા પૂરો સંભવ. હવે જો હું જાઉં, ને પોલીસ મારી પાછળ આવે, તો બાબરનો વિશ્વાસઘાત કર્યો કહેવાય.’

બસ, આટલા નાનકડા અકસ્માતે મહારાજનો ને બાબર દેવાનો ભેટો થતો અટકાવ્યો. અને ચાર મહિના પછી બાબર પકડાઈ ગયો. પોતે બાબરને ન મળી શક્યા તે વાતનો મહારાજના મન પર ભાર રહી ગયો છે.

બાબરને ફાંસી થયા પછી એક વાર એની મા હેતા બેલગામના 'ક્રિમિનલ સેટલમેન્ટ'માંથી રજા પર પોતાની દીકરીને ઘેર પીપળોઈ ગામમાં આવી હતી. એની પાસેથી સંદેશો લઈને એનો જમાઈ મહારાજ પાસે આવ્યો. મહારાજ પીપળોઈ ગયા ત્યારે બપોરવેળા હતી. ભયંકર હેતા દીકરીને ઘેર પરસાળમાં બેઠી હતી. એણે કહ્યું: “તમારો ચેલો તો, મહારાજ, બહુ સારો હતો; ખાદીની ટોપી પહેરતો. એ તો બાપડો ગયો. બાકીના મારા છોકરાઓને પણ ત્યાં સેટલમેન્ટમાં સારું છે. વણાટમાં કામમાં રળે છે. પણ એમને અહીં લઈ આવો.”