પૃષ્ઠ:Mansaina Diva.pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જી’બા
૧૨૩
 


"હેં, લખા પટેલ !" જીવીએ કાંઈક હિંમતમાં આવીને કહ્યું : "તમારા ભાઈબંધને બીજે પરણાવી આલોને !"

"એ તો એનાં માબાપે બહુ બહુ મનાવ્યો. પણ એવો એ જ ના કહે છે તો ! નીકર તો પાંચ વાર પરણાવ્યો હોય આજ લગીમાં !"

"શા સારુ ના પાડે છે ?"

"દૈ જાણે ! કહે છે કે, જીવી વન્યા કોઈને ન પરણું."

"તો શું જન્મારો કાઢશે ?"

"કાઢેય ખરો ! એ તો ઠીક, પણ તો પછી તારાં માવતર ચ્યમ લખણું કરાવી લઈને તને બીજે નથી દઈ દેતાં ?"

"જાવ ને, મારા ભાઈ !" જીવી બહુ શરમાઈ ગઈ. "એ તો ઘણું કહે પણ મારે કંઈ બીજે જવું નથી !"

"પછી તારું પેટ તો કંઈક દે, જીવી ! તને શો વાંધો છે ? તું જેમ કહે તેમ એવો એ કરી આપવા તૈયાર છે. તું ફક્ત તારા દલની વાત કરી દે."

"બીજું તો, બળ્યું, કશુંય નથી, લખા પટેલ, પણ -"

"પણ શું ?"

"એ ચોરીઓ કરે -"

"ચોરીઓ ! પાટણવાડિયા તો ચોરીઓ કરે; એમાં તને શો વાંધો ? ચોરીઓ ના કરે તો ખાય શું !"

વાત સાચી હતી કે મહીકાંઠો - કાંઠો - એ તો ચોરિયાટાં ગામડાંથી જ વસેલો હતો. ઠાકરડાનાં ગામો ચોરી માટે ભયંકર નામ કાઢી બેઠાં હતાં. એમાં પણ પાટણવાડિયાના ઘેર કોઈ માણસ મહેમાન પણ ન થાય. ચોરીની ન તો એને એબ હોય, કે ન બીક હોય. સ્ત્રી કહે ને પુરુષ ચોરે, મરદ ચોરી લાવે ને ઓરત સંતાડે. ચોરી એમનો ધંધો કહો તો ધંધો, ને કસબ કહો તો કસબ.

સારી વાર વિચાર કરીને જીવીએ સ્પષ્ટતા કરી : "મારાથી એ