પૃષ્ઠ:Mansaina Diva.pdf/૧૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૬
માણસાઈના દીવા
 

બળદ એનો, ને એક આપણો; ગાડું એનું, અને આપણા તરફથી તમે પોતે. માંડો ખેતરની ખેડ કરવા."

મથુર કંઈ બહુ વિચાર કરી શકે તેવો નહોતો. એને વિચાર કરવાની જરૂર પણ નહોતી રહી. પથારીમાં પડ્યો પડ્યો એ તમાકુ પીતો રહ્યો. મથુરે ને જીવીએ મળી એ મોસમમાં ખેતર ખેડી, વાવેતર કરી પોતાના હિસ્સાનો ઠીક ઠીક દાણો મેળવી લીધો. અને વિશેષ જે બચત રહી તેમાંથી બીજો બળદ તેમ જ ગાડું પણ ઘરનું વસાવી દીધું.

મોસમ ખલાસ થઈ. મથુર, અળદો અને ગાડું નવરાં પડ્યાં. પણ એ નવરાશ જીવીને તો ચટકા ભરવા લાગી. એની નજર ચોમેર ફરી વળી, અને નવરાશ વેળાનું સરસ કામ સૂઝી ગયું : પેટલાદ ત્યાંથી સાત ગાઉ થાય. ગામનું હટાણું પેટલાદ રહ્યું, એટલે વેપારીઓનાં ભાડાં મળી શકે. પણ મથુરને પેટલાદ એકલો મોકલવામાં હવે કેવુંક જોખમ કહેવાય, એ જીવીએ વિચારી જોયું. મથુર પર આટલા દહાડા ઠીક ઠીક વિશ્વાસ બેઠો હતો. જીવીએ નક્કી કરેલ મર્યાદાને મથુરે મૂંગે મોંએ અને આનંદભેર પાળી બતાવી હતી.

'જોઉં તો ખરી ! પારખું તો લ‌ઉં ! એકલો મેલી તો જોવા દે, જીવ ! એમ પૂરી રાખ્યે શો દા'ડો વળશે ! એને દાસ બનાવવામાં જીવતર કયા રસથી જીવાશે ?" વિચારીને જીવી તે જ રાતે ગામના એક વેપારીનું ભાડું બાંધ્યું, અને આવીને મથુરને જાણ કરી. એ તો જીવી કહે તેમ કરવામાં ઊંડો આત્માનંદ અનુભવી રહ્યો હતો. એણે હા કહી.

"પણ પેટલાદ જઈ કશું જ બજારુ ખાવાપીવાનું નહીં, હાં કે !" જીવીએ શિખામણ ગાંઠે બંધાવી. અને આખી રાત જાગી ઢેબરાં તળ્યાં.

વહેલી પરોઢે જીવીએ મથુરને જગાડ્યો, રોટલા ખવરાવ્યા, ને ઢેબરાં કરી રાખેલ તેનું ભાતું ભેળું બંધાવ્યું. "ને લો : આ ચલમ-સૂકાની પડતલી લેતા જાઓ. ત્યાં કનેથી કશું જ ખરીદતા નહીં." કહી ફરી પાછી ગાંઠ વળાવી.

પોતે જ બળદ જોતરી દીધા, ને મથુર ગાડે ચડી ચાલી નીકળ્યો