પૃષ્ઠ:Mansaina Diva.pdf/૧૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૮
માણસાઈના દીવા
 

નહોતો. જીવીનો મથુર રાતે ઊને પાણીએ નાહી, રોટલા જમી, ચોખ્ખી પથારી પર બેઠો બેઠો મોજ કરતો હતો.

અને જીવીએ મથુરને ચાર બાળકોની પ્રભુ-ભેટ આપી હતી. જીવી આધેડ થઈ ગઈ હતી. જીવીને ગામલોકો - પાટણવાડિયા, પાટીદારો તેમ જ લુહાણા : તમામ - 'જી'બા' કહી બોલાવતાં અન્વે તેઓ કહેતાં કે, "જી'બાને અમે દહાડે કદી ગામમાં દીઠાં નથી; દન ઊગ્યા પૂર્વેથી તે દન આથમ્યા લગી જી'બા સીમમાં હોય છે."

એક વાર ગુજરાતમાં રેલ-સંકટ આવ્યું હતું. કાંઠાનાં ગામડાંમાં ઘરો પડી ગયાં હતાં, લોકોને ખાવા મૂઠી ધાન નહોતું. તે દિવસોમાં જીવીને આંગણે રવિશંકર મહારાજ આવી ઊભા રહ્યા. જીવી મહારાજને પગે લાગી. એ કહેવાતા હતા 'વટાદરાવાળા મહારાજ'. જીવીના મહિયરના ગામ વટાદરાને 'મહારાજ' પર અતિ પ્રીત હતી.

"અરે જી'બા !" ઘૂમટો ઢાંકીને પગે લાગી છેટે ઊભી રહેલ આધેડ વયની જીવીને રવિશંકર મહારાજે કહ્યું : "તું તો મારી બૂન કહેવાય. તું હજુય મારી લાજ કાઢીશ ?"

"તમો તો, દાદા, માવતર છો," જીવીએ કહ્યું : "પણ લાજ રાખી તે રાખી. હવે વળી જતે જનમારે ક્યાં છોડું !"

કદાવર, ગોરી અને આધેડ જીવી જે લજ્જા પાળતી, તે વડે એ મૂર્તિમંત મહી માતાનો ભાસ કરાવતી.

"જી'બા !" દાદાએ કહ્યું : "દાણા આલીશ ?"

"અરે મહારાજ, દાણા ક્યાં છે ? મારી કને તે કેટલાક હોય !"

એમ કહેતી જી'બાએ મહારાજને પુષ્કળ અનાજ ઘરમાંથી કાઢી આપી કટોકટીને ટાણે લોકોને બચાવવામાં મૂંગી મદદ કરી.

એક દિવસ મથુરનો દેહ પડ્યો. જીવી પોતાના ભિતરમાં કેટલું રડી હશે, કેટલું કેટલું સંભારીને આંસુડે ગળી હશે, તે તો કોઈને ખબર નથી. પણ આટલું જાણ્યું છે કે જીવીએ મથુર પાછળ કંઇક પુણ્ય કરવાની ઇચ્છા ધરાવી અને, ઝાઝી કશી ગતાગમ ન હોવાથી,