પૃષ્ઠ:Mansaina Diva.pdf/૧૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બાબર દેવા
૧૩૧
 

હું શેવો ખાવા આવી પહોંચું છું.”

“તારે ઠીક પડે તેમ કરજે. પણ મુખીનો ત્રાસ હવે સહ્યો જતો નથી, હો બાબરિયા !”

એટલું કહી મા ગઈ. પેટલાદની લૉકપમાં શાંતિ છવાઈ ગઈ, અને ગાયકવાડી ગામ કણિયાના પાટીદારને ઘેરથી ઓરી કરી પકડાયેલો 'ભગત' તુરંગમાં બેઠો બેઠો ભજનની ટૂંકો ધીરે ધીરે ગણગણતો રહ્યો :

કાયા મેલી ના જાયેં, મારા હંસલા !
કાયા મેલી ના જાયેં હે હાં-જી-હાં.

વળતે દિવસે હોળીનું પર્વ હતું. સાંજે ગામ-ભાગોળે હુતાશની પ્રગટાઈ તે ટાણે પેટલાદથી ત્રણ ગાઉ દૂર ગોરેલ ગામના પાટણવાડિયા વાસને એક ઘેરે ઉંબરામાંથી અવાજ સાંભળ્યો : "કાં, મા, શેવો તૈયાર છેને ? ઝટ લાવ – ખઈ લઉં - પોલીસ મારી પાછળ જ છે.”

મા હેતા શેવનું મિષ્ટાન્ન રાંધીને જ બેઠી હતી. "આવ્યો ભગત !" એમ કહીને એણે ઠામમાં ઝટ ઝટ પીરસેલી શેવ લુશ લુશ ખાઈને એ જુવાન ધારિયું લઈ, કમ્મરે છરી બાંધી બહાર નીકળી ગયો, સાંજે પાંચ વાગ્યે એ પેટલાદની તુરંગમાંથી નાઠો હતો.

તે જ રાત્રીએ ગોરેલની બજાર વચ્ચે એ 'ભગતે' ગામના મુખીને જાનથી માર્યો. એ ક્યાં જઈ ભરાયો છે તેની કોઈએ ભાળ લીધી નહીં. સને ૧૯૧૯નું વર્ષ : ચરોતર જેવો ધારાળાઓની કોમે ખદબદતો મુલક મહી-વાત્રકનાં ઊંડાં ખાતરાંઓમાં સાડા પાંચ ફૂટનું એક માનવપ્રાણી લપાઈ જાય તેની કોઈને નવાઈ નહોતી.

સરકારે બાબરની માને અદાલતમાં ખડી કરી. મૅજિસ્ટ્રેટની સામે એ ભયંકર હેતા બોલી ઊઠી : "હજુ એક દીપડું છૂટું મેલ્યું એમાં આટલા અકળાઓ છો; ત્યારે મારા પાંચ શી-લંકાને છૂટા મેલીશ તે દા'ડે શું કરશો ?” ('શી-લંકા' એટલે સિંહના જેવી કટિવાળા દીકરા !)