પૃષ્ઠ:Mansaina Diva.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૧૬]
માણસાઈના દીવા
 

મહારાજ કહે: “અહીં લઈ આવીને શું કરશો ? ત્યાં તો રળે છે; અહીં તો નથી ઘરબાર નથી ખેતર; વેરીઓ ઘણા છે. માટે ત્યાં જ રહો, ડોશી ! અહીં ખાશો શું ?”

“ખાશો શું !” કહેતી હેતા ગાજી: “મને નહિ જાણતા, મહારાજ ! એંહ, આ જુઓ !” એમ કહીને એણે પોતાનો ખોળો ખંખેર્યો. તેમાંથી પચાસેક રૂપિયા નીચે ઢળી પડેલા. આ કિસ્સો આજે પણ મહારાજને હસાવે છે.

મહારાજની સ્વાનુભવસંપત્તિ તો મેં આલેખ્યા છે તેવા અન્ય સંખ્યાબંધ પ્રસંગોથી ભરપૂર છે. એનું દોહન અન્ય જિજ્ઞાસુઓ કરે એવું હું હૃદયથી ઈચ્છું છું. મારું પુસ્તક તો એક ગુપ્ત ખજાનાની માત્ર ભાળ આપીને વિરમે છે. અન્ય ભાઈઓ તરફથી પ્રયાસો ચાલુ છે તે સુખની વાત છે. ગુજરાતના અન્ય લોકસેવકો, જેઓ દૂર દૂર ઊંડાણે વસતી જનતાના ખોળામાં આળોટતાં પ્રવૃત્તિ કરી રહેલ છે—દાખલા તરીકે જુગતરામભાઈ, અને એથી પણ વધુ લીલાભરપૂર જેમનું સેવાજીવન છે તે શ્રી ઠક્કરબાપા—તેવી પ્રસિદ્ધિના પ્રકાશથી વેગળી રહી કામ કરી રહેલી વ્યક્તિઓનો સંપર્ક કરીને એમના અનુભવ-ખજાના પણ કઢાવી શકાય તો ગુજરાતને ઘેર પ્રાણવંત સાહિત્યનો તોટો ન રહે.

આજે જ્યારે ‘ડૉ. કોટનીસ’ જેવું ચિત્રપટ ઉતારીને એક સાહસિક પુરુષે દાખલો બેસાડ્યો છે, ત્યારે ગુજરાતના ચિત્રપટ-નિર્માતાઓએ ભવિષ્યમાં પોતાને કોઈક દિવસ પસ્તાવો કરવાનું ન રહે તે માટે ઠક્કરબાપા, રવિશંકર મહારાજ, શ્રી જુગતરામ, છોટુભાઈ પુરાણી, ડૉ. ચંદુલાલ અને મહારાજ શ્રી. સંતબાલ સમા મિશનરી ગુર્જરોનાં 'મોડેલ'ને પકડી સંઘરી લેવાની જરૂર છે. તેઓ આજે જીવતા છે; આવતી કાલે પછી આપણે તેમનું સંશોધન કરવું રહેશે. તેમના કાર્યપ્રદેશો તે તે પ્રદેશોની માનવજાતિઓ, તેમની જીવનલીલાનાં પ્રકૃતિસ્થાનો વગેરે ઝડપભેર આવી રહેલા જીવનપરિવર્તનના જુવાળમાં લુપ્ત બની ગુમ થઈ જાય તે પહેલાં જ એમનું નિરીક્ષણ થઈ જવું જોઈએ; નહિતર આપણે ખૂબ પસ્તાશું. પછી ખોટાં ને વિષમગામી અનુમાનો કરીને વેરણછેરણ સાંભળેલી વાતોના તકલાદી પાયા પર જૂઠી ઈમારતો ચણીશું, એ કેવું હાસ્યાસ્પદ બનશે !

ઝ○ મે○