પૃષ્ઠ:Mansaina Diva.pdf/૧૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બાબર દેવા
૧૩૫
 


બાબરે ચોમેર નજર કરી. સામે જ એક ઝાડ ઊભું હતું. રાવળિયાને એ ઝાડ પાસે લીધો. ઝાડ સાથે ઊભો રાખીને ઝાડને બાથ ભરાવી બેઉ હાથના પંજા ઉપરાઉપરી ગોઠવ્યા. પછી પોતે ખિસ્સામાંથી ખીલો કાઢ્યો. રાવળિયાની છાતી પાછળ ખીલો લગાવી, પથરે પથરે ઠોકી ઝાડ સાથે જડી દીધો - ને ઉપરાઉપરી છ ભડાકે એને ખતમ કર્યો.

બાબરની પરણેલ બાયડી બહારવટે સંગાથે હતી. એ પકડાઈ અને જેલમાં ગઈ. પાછળથી બહારવટું ખેડતો ખેડતો બાબર નવી બૈરીને પરણ્યો, એ પણ બહારવટે ચડી. માણસો મારવાની ફાવટ બાબરને બરાબર આવી ગઈ હતી. ભાઈઓ 'સેટલમેન્ટ'માં નહોતા પુરાયા તે પહેલાં તો ભાઈઓને પણ મળી પૂછી જતો કે, 'કોઈ સતાવે છે ? કોઈને મારવા છે ?' ભાઈઓ ના કહેતા. પણ જેલ ગયેલા બૈરીના ભાઈ બાબર મોતીએ બનેવીને એક કરપીણ કામ સોંપ્યું : "બાબર ! તું જો ધોરીભાઈનું કાસર કાઢે ને, તો મારાથી પાછા કણજટમાં રહેવા જવાય !"

"કાઢીએ !" કહીને બાબરે દિવસ ઠરાવ્યો.

ધોરીભાઈ એક શ્રીમંત પાટીદાર હતો. કણજટ એના સસરાનું ગામ. સસરો ન-વારસ ગુજરી ગયો. જમાઈ ધોરીભાઈ કણજટમાં સસરાની મોટી ઇસ્કામતનો વહીવટ કરવા માટે ઉચ્છેદે આવીને વસ્યો, ને એને એક ઓરતને કારણે બાબર મોતી સાથે વેર બંધાયું. એક સ્ત્રીનું દિલ પરણેલા-પસટેલા પાટણવાડિયા બાબર મોતી પર કેમ લટી પડ્યું એ કોણ જાણે ! કમરે ફૂમતાં ઝુલાવતી છરી બાંધનાર બાબર મોતીની સાથે એ યુવતી બાપ અને પતિ - બેઉનાં ઘરોની સા'યબીનો ત્યાગ કરી ચાલી નીકળી હતી. બંને જણાં બીજે કોઈક ગામ રહેતાં હતાં. વર્ષો વહી ગયાં. ધોરીભાઈની બીકે કણજટ છોડી ગયેલા મોતીની પાસે વતનમાં જઈ વસવાનો એક માત્ર ઇલાજ હતો : ધોરીભાઈનું પોતાના બનેવીને હાથે કાસળ નીકળે તો જ જવાય.

દિવસ-વેળા હતી. સસરાના ખેતરમાં ધોરીભાઈ નીંદામણ કરાવતો