પૃષ્ઠ:Mansaina Diva.pdf/૧૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૬
માણસાઈના દીવા
 

મજૂર પર પહાડ-શો ઊભો હતો, એવે કોઈકે આવીને ચેતવણી આપી : "ધોરીભાઈ, નાસો; તમારું ખૂન કરનાર છે."

"કોણ ?" વણગભરાટે આ પડછંદ, નિર્ભય પાટીદારે પૂછ્યું.

"બાબર દેવો : બાબર મોતીનો ચડાવ્યો આ ચાલ્યો આવે. નાસો !"

"માર્યા, માર્યા ! આવવા દે : એ કોળાં શું કરવાના હતાં ! એ કોળાંઓ જેવાં તો મારા પેટમાં કરમિયાં છે.!"

એટલું જ કહીને જવાંમર્દ પાટીદાર ત્યાં ખેતરમાં જ ઊભો રહ્યો. બાબર દેવા ધસી આવ્યો. સામસામી ગાળો દેવાઈ, અને બાબરે બંદૂક છોડી. પહેલી ગોળી ચોંટી, પણ ધોરીભાઈ એવો ને એવો ટટ્ટાર ખડો રહ્યો. બીજી ગોળી છાતીમાં ચોંટી છતાં ધોરીભાઈ પડતો નથી. છેવટે બાબરે આવીને એને બંદૂકના કુંદા વડે ધક્કો દઈ પાડ્યો, ત્યારે એ પડ્યો.

માણસને મારવાની ઘાતકી તરકીબોમાં પાવરધો બની ગયેલો 'ભગત' હાહાકાર વર્તાવતો થયો, અને એની ભેળો અલિયો ભળ્યો. અલિયો બોરસદનો હતો. એ પણ બાવીસ વર્ષનો જુવાન હતો. મુસલમાન, પણ પહેરવેશે તો ખેડુ જ. સૌની જેમ અલિયો પણ કાછડો વાળતો, માથે ફાળિયું બાંધતો. બાપ ખેડુ હતો. બાપ મૂઓ એટલે અલિયે જમીન વેચી છનાભાઈ વકીલને. પણ જમીનની જોડે એ જમીનની જોડે એ જમીન પર ઊભેલા આંબા વિશે પૂરી ચોખવટ થવી રહી ગઈઑ. અલિયો જાણે છે કે, આંબા તો મારા જ છે. છનાભાઈ વકીલ કહે કે, “ઘેલો થા ના ઘેલો !”

“નહીં, છનાકાકા ! આ ફલાણા આંબાની કેરીઓ તો હું જ ખાવાનો છું - હું તમને કહી રાખું છું.”

“હવે જોયો ના હોય તો કેરી ખાવાવાળો !”

“જોઈ લેજો ત્યારે, છનાકાકા !”

વૈશાખ મહિનો આવ્યો. આંબા ફાલે લચી પડ્યા હતા. લૂંબાઝૂંબા કેરીઓ દેખીને અલિયો હોઠ ચૂસવા લાગ્યો. પણ છનાકાકા તો આંબા વેડવા લાગ્યા ! અલિયો ઝાઝી વાર મોંમાં છૂટી રહેલા પાણીને ન સહી