પૃષ્ઠ:Mansaina Diva.pdf/૧૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૨
માણસાઈના દીવા
 


“ભટ ફોજદારે મને પકડવાનું બીડું ઝડપ્યું છે, એને મારે ઠાર કરવો છે. તમારે ત્યાં એને તેડાવી દો.”

“ખરી વાત,” આગેવાન પાટીદારે સોદો વિચારીને જણાવ્યું : "પણ મારા ઘરમાં નહીં મારવો.”

“કંઈ નહીં; તમારા ઘરમાંથી એ નીકળે તે પછી મારીશ, પણ બોલાવી દેશો ખરા ને ?”

“હોવે, બોલાવી દઉં.”

સામાસામાં બે કરપીણ ખૂનનો સોદો થયો. બાબરે રજા લીધી. રસ્તે પાટણવાડિયા ભાઈબંધે બાબરને ઊંચકાવ્યો :

“હાળા, તું પણ મૂરખ છે ના ! પેલો સામાવાળો પણ આપણને તો ખપનો છે. એને મારવાની તેં શું જોઈને કબૂલાત આપી, હાળા ?”

“પણ મારે ભટ ફોજદારને મારવો છે, તેનું શું થાય ?”

“તે ભટને મારવો હોય તો હીંડને, આપણે જઈને મારીએ.”

“ડબકે જઈને ?”

“હા, થાણામાં જઈને મારીએ.”

“લે, હીંડ ત્યારે.”

“હીંડો.”

ડબકા ગામને પોલીસ-થાણે બેઉ ભાઈબંધો રાતોરાત પહોંચ્યા. કચેરીમાં ફાનસ બળતું હતું. એક અમલદાર બેઠો બેઠો લખતો હતો. બાબરે બંદૂક ફટકારી, લખતો અમલદાર ઢળી પડ્યો. ખૂનીઓ નાઠા. પોલીસ પાછળ પડી. બંદૂકોની ધાણી ફૂટી. એક પોલીસની ગોળી બાબરના પગમાં વાગી પણ અંધકારે એની રક્ષા કરી. એને ઊંચકીને એના સાથીદારો જલાલપુરના છોટા નામના લવાણાને ઘેર લાવ્યા. પાદરેથી ડૉક્ટર બોલાવ્યો. તેણે બાબરના પગમાં ગોળી કાઢી. ત્રણ મહિના સુધી બાબર ભાઈબંધ છોટા લવાણાના ઘરમાં પડ્યો રહ્યો. પડ્યા પડ્યા એને ખબર પડી કે ડબકા પોલીસ-થાણે જેને પોતે ઠાર કર્યો તે ભટ ફોજદાર નહોતો, પણ બાપડો નવાણિયો જમાદાર ટિપાઈ ગયો હતો :