પૃષ્ઠ:Mansaina Diva.pdf/૧૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૪
માણસાઈના દીવા
 

ગોઠવ્યો હતો. એક કૂંડાળું કરી, વચ્ચે ઘીનો દીવો મૂકી, પછી પોલીસે એ પાટણવાડિયાને કહ્યું હતું કે, “ઉપાડ દીવો, ને વચન આપ કે, બાબરને પકડાવીશ.”

કૂંડાળું, દીવો - એ બધું પોલીસને મન તો ફારસ હતું, પણ પેલા પાટણવાડિયાને મન એ દીવો ને કૂંડાળું પવિત્ર હતાં. એણે દીવો ઉપાડ્યો હતો. પછી એ ભત્રીજીનાં લગ્નની પોલીસે રચેલી વાત લઈને બાબર પાસે ગયો હતો.

પોલીસ સાથે સંતલસ કરીને ફરી પાછો એ પાટણવાડિયો બાબર પાસે ગયો કહે કે, “છોડીને માટે અમૂક ઠેકાણું શોધી કાઢ્યું છે. રૂપિયા બે હજાર જોઈશે.”

“વારુ લે - હું છોટિયા પર બે હજારની ચિઠ્ઠી લખી આલું.”

ચિઠ્ઠી લઈને પોલીસ પાસે પહોંચેલો એ ભાઈબંધ ફરી બાબર પાસે આવ્યો કહે કે, “છોટિયો કહેવડાવે છે કે, 'કોઈ બીજાને રૂપિયા ન આલું : તને એકને જ હાથોહાથ આલું. અહીં આવીને લઈ જા. પણ નક્કી દને ને વખતે આવવાનું કરે તો તે મુજબ હું રૂપિયા લાવીને રાખવા પડે, ને તું ના આવે તો મારે રૂપિયા પાછા આપી આવવા પડે. ઘરમાં જોખમ ના રખાય.”'

“વારુ !” બાબરે ભાઈબંધ પાટણવાડિયાની સાથે ચોક્કસ દિવસ ને વેળા જણાવી મોકલ્યાં એ ખબર લઈને આ ભાઈબંધ છોટિયા લુવાણાની પાસે શીદ જાય ! વડોદરે જ ગયો.

તે પછીથી ચોક્ક્સ દિવસે વડોદરાના વિશ્વામિત્રી સ્ટેશનેથી પાદરા સુધી દોડતી સાંજની ટ્રોલી પાદરા થોભી જવાને બદલે આગળ વધી. ભોજ સ્ટેશન અને મોભા સ્ટેશનની વચ્ચે અંતરિયાળ એ ટ્રોલીનો વેગ ધીરો પડ્યો, અને એના એક ડબ્બામાંથી સૂર્યાસ્ત પછીના પ્રથમ અંધકારમાં સંખ્યાબંધ માણસો ઊતરી પડ્યા. એ ઊતરનાર પૈકીનો એક દક્ષિણી આદમી પાછો બેસી જવાને બદલે સૌની જોડે ચાલવા લાગ્યો.