પૃષ્ઠ:Mansaina Diva.pdf/૧૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૬
માણસાઈના દીવા
 

સાથીદારે પેલા 'દગો' કરનારને અંદર ધક્કો દઈને એટલા જોરથી હડસેલ્યો કે આદમી બારણાની અંદર ભૂસ દઈને પટકાઈ પડ્યો.

એ પાછો ઊઠે તે દરમિયાન તો બારણાની બેઉ બાજુથી બે જણા એના પર તૂટી પડ્યા, અને બાથ ભરી ગયા. પડનાર એટલો જોરાવર હતો કે બાથંબાથા મચી, ધમાચકડી બોલી.

ત્યાં તો મેડા પરથી કોઈક ધસ્યું, એ ધસનાર ભૂસ કરતા મેડેથી પડ્યા. ત્યાં તો અંદરના બીજા ઓરડામાંથી બીજા છૂપાયેલા દોડ્યા.

બારણામાં બે જણની બાથથી પટકાઈ પડનારો બાબર દેવો હતો. મેડી પરથી હેબતાઈને નીચે ઊતરતાં પડી જનાર વડોદરાના પોલીસ કમિશનર સાહેબ હતા. ઓરડેઓરડેથી ધસી આવનાર શસ્ત્રબંધ પોલીસો હતા. સર્વમાં ગભરાટ હતો. છેવટે સૌએ મળીને એક બાબરને દબાવી દીધો.

બાબરને અંદર હડસેલી દઈને બહારથી જ નાઠેલા માણસની પાછળ દોડતા આવેલા પોલીસે એ દોટ કાઢનાર ચોરાવાળા માણસને બહારવટિયો સમજી બંદૂક છોડી. પીઠમાં ગોળી ચોંટતાં જ એ ચોરાવાળા માણસના ત્યાં ને ત્યાં રામ રમી ગયા.

પોલીસ આવીને જુએ ત્યાં તો હાયકારો નીકળી ગયો : "આ તો રેલવે-ફોજદાર !"

ના પાડવા છતાં જે આગ્રહપૂર્વક આ ટુકડી સાથે રેલવેમાંથી 'જશ લેવા' જોડાયો હતો તે જ એ રેલવેવાળો મરાઠો ફોજદાર !

*

જલાલપુરની સીમમાં તે વખતે વેલડું લઈને બે આદમીઓ બેઠા હતા. ગામમાં બંદૂકોની ફડાફડી બોલી તે એમણે સાંભળી, લોકોનો દેકારો સાંભળ્યો. તેઓ પામી ગયા, વેલડું જોડીને નાઠા. ગામ તુંડાવથી બાબરને પોતાના વેલડામાં બેસારીને આંહીં લઈ આવનાર એ પેલા બે