પૃષ્ઠ:Mansaina Diva.pdf/૧૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બાબર દેવા
૧૪૭
 

પાટીદાર ભાઈઓ હતા - જેમનો ભગત પિતા તુંડાવનો મુખી હતો.

તુંડાવમાં ઘેર જઈને એમણે ઘરમાં રાહ જોઈ બેઠેલ એક જુવાન ઓરતને કહ્યું : "ચાલો, ભાભી !"

"ક્યાં ?" સ્ત્રીએ પૂછ્યું.

"કાવી."

"કેમ ?"

"અમારે બાબરભાઈએ કહ્યું છે કે એને રોકત થઈ ગઈ છે તે તમને કાવી પહોંછતાં કરી દેવાં."

રાતોરાત એ સ્ત્રીને - બાબરની ઓરતને - એ બેઉ જણાએ ઉપાડી. પરોઢિયે બેઉ પાછા આવ્યા. તે પછી ઓરત ક્યાં ગઈ, કાવી પહોંચી કે નહીં, જીવતી રહી કે મૂઈ - તેનો પત્તો આજ સુધી મળ્યો નથી.

આ બે પુત્રોનો ભગત પિતા, કે જેને બાબર પકડાઈ ગયાની ખબર પડી ગઈ હતી, બાબરની સ્ત્રીના અદૃશ્ય થવાથી વધુ હેબતાઈ રહ્યો. અને છોકરા તો બેઉ પ્રભાત પડ્યા પૂર્વે ફરી પાછા પલાયન થઈ ગયા.

પ્રભાત પડ્યું. પોલીસ દોડાદોઅ આવી પહોંચી. ઝડતી માટે આ ઘરમાં પેસતાં જ પોલીસે દીઠું - મુખી પિતાનું દોરડે લટકતું મડદું. કાળું કામ કરનારા બંને છોકરાના બાપે ગળાફાંસો ખાધો હતો.

*

'મેં બે'ન કહેલી મણિ શું ખૂટી ?'

બાબરની એ શંકાનું તો તરત સમાધાન થઈ ગયું : પોલીસે છોટાને અને મણિને તો બાજુના ઘરમાં પૂરી રાખ્યાં હતાં. હિંડોળે બેસીને મણિનો પાઠ ભજવનાર ને બારણાં ઉઘાડનાર એક પોલીસ હતો.

જેને પકડવા જતાં નખશિખ શસ્ત્રધારી પોલીસ-વડા પણ મેડેથી ગબડી પડ્યા હતા, જેના તાપથી ચમરબંધીઓના પણ ગાઢ વછૂટતા હતા, તે બાબર દેવાને જ્યારે ૧૯૨૩માં ફાંસીને માંચડે ચડાવવા લઈ ગયા ત્યારે એ પોકે પોકે રડી પડ્યો.