પૃષ્ઠ:Mansaina Diva.pdf/૧૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પહેલી હવા
૧૫૩
 

રહે, પૂછતો ગયો :"દાદા, આ શું ?" એ ઓળખાવતા ગયા : "આ કાંકર કહેવાય. ખેતરો ને વાડીઓ ફરતાં એ ઝાડ તો ગઢ–કોટ જેવાં ઊગી પડે. એની વાડમાં કોઈ સોંસરું જઈ ન શકે."

"આ ?"

"એ ચીતળો. એના મૂળ ઘસીને શરીર પર લગાડે તો ફોલ્લા ઊપડે."

"ઓ હો ! ત્યારે તો અમુક રોગો પર 'બ્લિસ્ટર' ઉપડાવવાની તબીબી સગવડ કુદરતે જ યોજી રાખી છે ને શું !"

"આ ધોળી આકડી. એના મૂળિયાંમાંથી ગણેશાકૃતિની ગાંઠ નિકળે છે."

"આ ઝાડ પર પથરાઈ પડેલી સોનાના તાર જેવા અસંખ્ય ચળકતા તાંતણાવાળી વેલ : તેને લોકો કહે છે 'અંતર–વેલ.' સંસ્કૃતમાં શબ્દ છે — 'નિર્મૂલી' ; મૂળિયાં એને હોય નહિ. પૃથ્વીમાં ઊગવાની એને જરૂર નહિ. એકાદ કકડો લઈ અમુક ઝાડ પર નાખી દો એટલે બારોબાર એ ઝાડમાંથી જ પોષણ લઈને નિર્મૂલી આટલી બધી વિસ્તરે છે. માટે જ હું અંગ્રેજ સરકારને લોકો કને 'નિર્મૂલી' અથવા 'અંતર-વેલ' કહી ઓળખાવું છું !"


પગને આંખો હોય છે


ઉપમા કેટલી સંપૂર્ણપણે બંધબેસતી છે. એનો વિચાર કરી લઉં તે પૂર્વે તો ગામ આવ્યું. કહે કે, "આ ઝારોળા—બહારવટિયા બાબર દેવાની બહેનનું ગામ : જે બહેન એની સાથે લૂંટમાં જોડાતી ને જેને બાબરે શક પરથી ગોળીએ ઠાર મારેલી. ચાલો અંદર."

ગામને પરવાડે જ આવેલા પાટાણવાડિયાના ફળિયામાં લઈ ગયા. ભેંસો છાણમાં રગદોળાતી પડી છે. (કાંઠાના પ્રદેશમાં જાહેર ચરિયાણ નથી. ભેંસો લગભગ ઘર-ખીલે જ બાંધી રહે છે.) વાસીદાં પડ્યાં છે. વચ્ચે એક ખાટલો છે. "મહારાજ આયા ! મહારાજ ચ્યોંથી ! અહાહા