પૃષ્ઠ:Mansaina Diva.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સંસ્કૃતિ-સુધારનો કીમતી દસ્તાવેજ
[૧૯]
 

કામ સોંપ્યું હતું. એ કરતાં ચિ. બાળને પોલીસોને હાથે અનેક વાર પંજરીપાક પણ મળ્યો હતો. એ દિવસોમાં બંને પાસેથી મેં બારૈયા કોમની બહાદુરી વિષે અને એમના સ્વભાવની ખૂબીઓ વિષે ઘણું ઘણું સાંભળ્યું હતું. તેથી જ એ બેને 'વલ્લભ વિદ્યાલય' ચલાવવાનું કામ સોંપ્યું. એ વિદ્યાલય ઉત્તમ રીતે ચાલે એ ઇંતેજારીથી મેં 'વિદ્યાપીઠ'ના વિદ્યાર્થી શ્રી કપિલરાય મહેતા અને કસાયેલા રાષ્ટ્રીય શિક્ષક ડાહ્યાભાઈ પાઠક – એ બેને ત્યાં મોકલ્યા હતા. આ બધાએ મળીને પાટણવાડિયા કોમ વચ્ચે કેળવણીનું અને જાગૃતિનું સરસ કામ કર્યું. ત્યાર પછી મારાં આશ્રમ-ભગિની પૂજ્ય ગંગાબેને બોચાસણમાં જ સેવાનું કાર્ય કરવાનું પસંદ કર્યું, અને શ્રી શિવાભાઈ પટેલે એ 'વલ્લભ વિદ્યાલય' આજે ઘણી યોગ્યતાથી ચલાવ્યું છે.

આનંદની વાત એ છે કે વિદ્યાપીઠના ગ્રામસેવા-દીક્ષિત શ્રી બબલભાઈ મહેતા, જે પોતે ડાકોર તરફથી ઠાકુર કોમમાં બહુ જ સુંદર કામ કરી રહ્યા છે, તેઓ પણ વલ્લભ વિદ્યાલયના કામમાં હવે રસ ધરાવે છે. અને સૌથી સદ્‍ભાગ્યની વસ્તુ એ કે આ ચોપડીના મુખ્ય પાત્ર કે કથાનાયક શ્રી રવિશંકર મહારાજે અમારા વલ્લભ વિદ્યાલયમાં હવે પોતાનો કાયમી વસવાટ કર્યો છે. એમના ચિરંજીવી શ્રી મેઘાવ્રત તો બોચાસણમાં આયુર્વેદની દવા આપવાનું કામ ક્યારના કરતા હતા જ.

ત્રણ વરસની આ વખતની જેલને અંતે બહાર આવતાં જ્યારે મેં જાણ્યું કે રવિશંકર મહારાજે બોચાસણમાં રહેવાનું કબૂલ્યું છે, ત્યારે મેં અસાધારણ ધન્યતા અનુભવી.

કુલનાયક તરીકે ‘વિદ્યાપીઠ’નું સંચાલન હું કરતો હતો તે વખતે બારૈયા કોમ માટે ખેડા, ભરૂચ તેમ જ પંચમહાલ જિલ્લામાં વલ્લભ વિદ્યાલય જેવાં એક પછી એક અનેક વિદ્યાલયો સ્થાપવાનો મારો વિચાર હતો. એને અંગે તે તે પ્રદેશમાં હું ફર્યો પણ હતો. શ્રી રવિશંકર મહારાજ સાથે લાંબા કાળનો – બહાર તથા જેલમાં – પરિચય તો હતો, તેથી ગુજરાતીના સમર્થ લેખક શ્રી ઝવેરચંદ મેઘાણીએ લખેલાં શ્રી રવિશંકર મહારાજ વિષેનાં સ્મરણો શિવની જેલમાં જ અત્યંત રસપૂર્વક હું વાંચતો હતો. બહાર આવ્યા પછી જ્યારે