પૃષ્ઠ:Mansaina Diva.pdf/૧૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કદરૂપી અને કુભારજા
૧૬૭
 

ગયો. ને મહારાજ એ ભંગીને અને પછી એની પાણીમાં દૂર થંભી રહેલી બાળકવંતી પુત્રીને જોઈ રહ્યા. બેમાંથી જાણે કોઈમાં ચેતન નથી. શિર ઉપર સદાની વિદાય તોળાઈને ઊભી છે. મહારાજ પાછા ગયા. બાઈની પાસે પહોંચ્યા. બાઈને કહે છે કે, “આંહીં આવ !” બાઈ બોલતી જ નથી. એ તો જાણે જીવન-મૃત્યુ વચ્ચેનો ભેદ ત્યજીને ઊભી છે. મહારાજે જઈ બાળકને હાથમાં લીધું. બાઈનો હાથ પકડી ઘોડાનાં ચડતાં પાણીમાં દોરી. બાઈ રસ્તે ફક્ત એટલું જ બોલી શકી : "બાપજી, મારું તો જે થવું હોય તે થાય પણ મારી છોકરીને કંઈ થવા ના દેશો હોં કે !” મુસીબતે બાઈને સામે કાંઠે પહોંચાડી ત્યારે બાઈનો બાપ બોલ્યો : "બાપજી ! તમારાં તો ઘી-ગોળનાં હાડ ખરાં ને ! એ તો ઘી-ગોળનાં હાડવાળા તેથી જ તમે આને લઈ આવ્યા. અમે તો શું કરી શકીએ !”

તે દિવસે એ ભંગીના બોલ પર જેવા પોતે મરક્યા હશે તેવા જ આજે પણ મંદ મંદ મરકીને મહારાજ કહે છે : "ઘી-ગોળના હાડ !” વસ્તુતઃ તો એણે વર્ષોથી નરી ખીચડી સિવાય, કંગાલ ઘરનાં ખરાબ દાળ-ચોખાના બે મૂઠી બાફણાના એક ટંકના ભોજન સિવાય, ઝાઝું કંઈ જોયું નથી.



ક્ષુદ્રની સંગતે મહાનનું મોત


ગમગીન અને નિર્જન મહી-આરા પર મળી ગયેલો એક ખારવો તડાકાબંધ વાતો કરતો કરતો બેએક માસ પર મહીસાગરમાં ઘસડાઈ આવેલા મચ્છની વાત કહી ગયો : પચાસ-સાઠ હાથ લાંબો, મોં ફાડે તો મહીં આપણે ઊભા ને ઊભા ચાલ્યા જઈએ તેવડા પેટવાળો એ મગરમચ્છ આંહીં ચાંપોલ સુધી આવી ચડ્યો હતો. મોંમાથી પાણી ઉછાળતો હતો. પછી ઓટ થયો : જળ છીછરું બન્યું. મચ્છે બહુ બહુ બરાડા પાડ્યા, બહુ તરફડાટા નાખ્યા. છેવટે એ કમોતે મરી ગયો.

વાત સાંભળીને મને સોન-હલામણની લોકકથામાંથી દુહા સાંભર્યા :