પૃષ્ઠ:Mansaina Diva.pdf/૧૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દધીચના દીકરા
૧૭૧
 

ગાંધી-દેહ દેખાતો નહોતો, પણ કાદવ ખૂંદતો કલ્પાતો હતો. કયા જોમે, કઈ આંતરિક ચિરયૌવનશક્તિ વડે, આ માનવ-માળખું મહીને વટાવી ગયું હશે ?



નવજવાનનું પાણી ઉતાર્યું

એ પાર પહોંચ્યા, અને પંડિત જવાહરલાલજીની મોટર આવી મહીકાંઠે ઊભી રહી. રાતના બાર વાગ્યા હશે. બાપુને મળવા અધીરું એ મત્ત યૌવન, મહીના કાદવનો ખ્યાલ અપાયા પછી પણ બોલી ઊઠ્યું : 'હમ તો નવજવાન હૈ !' એ નવજવાનને તો પાર જઈ બાપુને મળી કરી આ કાંઠે આવવું હતું. મોટરને ત્યાં સુધી થોભવા કહીને ઊપડ્યા. પણ પાર ગયા પછી એણે કહેવરાવી દીધું : "મોટરને પાછી લઈ જજો. નહીં આવી શકાય." મદાંધ મહીએ આ નવજવાનનું પાણી ઉતાર્યું.

મારે રગનાથજી ડોસાને જોવા હતા. ડોસા અમારે ઉતારે આવી ગયા, પણ ભેટો થયો નહીં. એમના પુત્ર બહાદુરસંગને દીઠા. મેં પૂછ્યું : "દહેવાણના ઠાકોર સ્વ. નારસંગજીએ એમને ઉપદ્રવ કર્યો હતો ? સરકારે આ રગનાથજીને કંઈ સતાવ્યા હતા ?" જાણ મળી કે, ના, કંઈ નહોતું કર્યું.



નાક કપાય

બદલપરમાં અમે દધીચ બ્રાહ્મણ ખેડૂત શ્રી ફુલાશંકરભાઈને ઘેર ઊતર્યા હતા. આ પંથકમાં દધીચોની જ વસ્તી છે. દધીચ બ્રાહ્મણો ખેડુ છે. ખેડુની પ્રકૃતિમાં જે ઓછાબોલાપણું, જે બાહ્ય વિવેકનો અભાવ, જે આંતરિક સૌજન્ય અને જે આતિથ્યની નિરાડંબરી ભાવના હોય છે તે આ દધીચોમાંયે છે. પણ દધીચોમાં જે ઠંડી તાકાત - જે 'गूढं हि दाहात्मकमस्ति तेजः' - હોય છે, અને નિગૂઢ ચકમક-તેજ અન્ય તેજની સાથે અફળાતાં પોતાનાં અંદરથી જે દાહ - જે દાવાનલ - પ્રગટાવે છે, તેની વાત તો મેં દહેવાણના દધીચોને વિશે સાંભળી રાખી હતી.