પૃષ્ઠ:Mansaina Diva.pdf/૧૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૨
માણસાઈના દીવા
 

એ કથાને હું દહેવાણના માર્ગે તાજી કરતો હતો.

બાબર દેવા અને બીજા ત્રણ બહારવટિયા મળી ચારની ટોળીઓએ જ્યારે આ ખેડા જિલ્લાને ચૂંથી નાખ્યો હતો ત્યારે પાંચમી તરફથી સરકારે આ પ્રદેશના તારાજ બનતાં લોકો પર માથાદીઠ 'પ્યુનિટિવ ટેક્સ' નાખ્યો હતો. લોકોએ એ કરને 'હૈડિયા વેરો' એવા શબ્દે ઓળખ્યો. સરદાર વલ્લભભાઈએ એ વેરા સામે 'ના-કર'નો સત્યાગ્રહ ઉપાડ્યો. ઠેર ઠેર સ્વયંસેવકોની છાવણીઓ પડી. આ મહીકાંઠો મહારાજે હાથમાં લીધો. સ્વયંસેવકો હતા : પત્રિકાઓ કાઢવાના સંચા ન મળે. જાતે પત્રિકા લખી ગામેગામ જઈ વંચી બતાવવાની. ગામોગામ જઈ ઝાંપામાં પેસતાં જ મહારાજ લોકોને કહેવા લાગે : "હું તમને કહેવા આવ્યો છું - હૈડિયા વેરો ના ભરાય. નહીં તો આપણે ચોરડાકુઓને આશરો આપ્યો છે એ પુરવાર થયું ગણાય, આપણું નાક કપાય : એ કેમ સહેવાય ?"

'સાચું છે : એ કેમ સહેવાય ? એથી તો છો બીજું બધું જાય !' એવા પ્રતિધ્વનિ પડ્યા. 'હૈડિયા વેરો દેશો નહીં ! - દેશો નહીં ! - દેશો નહીં !' એ ગુરુમંત્ર તેજના લિસોટા પાડતો ગામેગામ ચાલ્યો ગયો.



મર્દ જીવરામ

સરકારના કલેક્ટરો હૈડિયા વેરો ઉઘરાવવા - ને ન આપે તેનાં ઘરબાર ઢોરઢાંખરની જપ્તીઓ કરવા - નીકળ્યા અને આ કાંઠાના કેટલાક ઠાકોરો, કે જેઓ મોટા બિનહકૂમતી તાલુકદારો છે, તેમને પોતપોતાની વસ્તીમાંથી હૈડિયા વેરો ઉઘરાવી દેવા દબાણ કર્યું. એ દબાણને વશ થયા વિના જેમને છૂટકો નહોતો તેવા દહેવાણના ઠાકોર નારસંગજી એક ભયંકર જુવાન હતા. એમણે બીડું ઝડપી લીધું કે, 'ઉઘરાવી દઉં'.

દહેવાણ દધીચ બ્રાહ્મણોનું ગામ. બ્રાહ્મણો ગરીબ, પણ આંખોમાં તેજ. બ્રાહ્મણ હળ ખેડીને આવતો હોય તો પણ રસ્તે ઠાકોર મળે તો બ્રાહ્મણને પગે લાગે. એ બ્રાહ્મણોએ ઠાકોરને કહી દીધું : "વેરો નહીં