પૃષ્ઠ:Mansaina Diva.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૨૦]
માણસાઈના દીવા
 

શ્રી ઈશ્વરલાલ દવેએ શ્રી મેઘાણીની આ ચોપડી માટે પ્રસ્તાવના લખવાનું મને સૂચવ્યું ત્યારે મેં ક્ષણનો વિચાર કર્યા વગર તરત હા પાડી.

ભલે એક પ્રસ્તાવક તરીકે પણ શ્રી રવિશંકર મહારાજની જીવનકથા સાથે અને શ્રી ઝવેરચંદ મેઘાણીની સાહિત્યકૃતિ સાથે મારો સંબંધ જો જોડાતો હોય તો હું ના શા માટે પાડું !

[૨]

ગયા જમાનાના કાઠિયાવાડી ભડવીરો અને ચારણોની જીવનકથાઓનો અને લોકકાવ્યોનો સંગ્રહ કરી ગુજરાતી ભાષામાં એ રોમાંચક જીવનમૂલ્યોને આબાદ રીતે ચિત્રિત કરનાર શ્રી ઝવેરચંદ મેઘાણીએ આ પુસ્તકમાં અદ્‍ભુત સંયમ વાપર્યો છે અને શ્રી રવિશંકર મહારાજની જ ભાષા અને શૈલી અહીં વાપરીને મહીકાંઠાના જીવનવીરોનાં જીવનમૂલ્યો કેવાં છે, અને એ મૂલ્યોમાં મૌલિક ફેરફાર કરવા મથનાર સંસ્કૃતિવીર શ્રી રવિશંકર મહારાજે પોતાનું જીવન કેમ નિચોવ્યું છે, એનું જીવતું ચિત્ર આપણને આપ્યું છે. મને તો લાગે છે કે આ ગ્રંથમાં શ્રી ઝવેરચંદ મેઘાણીની અદ્‍ભુત-રમ્ય સાહિત્યશૈલી, ઉપર કહેલા સંયમના ઓપને કારણે, સોળે કળાએ પ્રગટે છે. આ ઓપડી વાંચતાં મેઘાણીની સંયમસમર્થ શૈલીએ મારા પર જે અસર કરી છે તે બીજી કોઈ પણ ભાષાની ચોપડીએ ભાગ્યે જ કરી હશે. હું આશા રાખું છું કે 'માણસાઈના દીવા'ના અનુવાદો દેશપરદેશની અનેક ભાષાઓમાં થશે અને સંસ્કૃતિવીર રવિશંકરના પુરુષાર્થનો આ દસ્તાવેજ માનવકોટીના સાહિત્યમાં પોતાનું સ્વાભાવિક સ્થાન લેશે.

સમાજ અને સરકાર જેમને ગુનેગાર જાતિ ઠરાવે છે તે જાતિ પાસે પણ કેવા ઊંડા અને ઉમદા જીવનના આદર્શ છે, તે વાત હૃદયની દૃષ્ટિથી તપાસી શક્યા તેથી જ શ્રી રવિશંકર મહારાજ એ લોકોની અંદર આદર્શ-પરિવર્તનનાં તત્ત્વો ઉમેરી અથવા વાવી શક્યા છે.

[૩]

જીવનના આદર્શો કોણ ઘડે છે ? ઋષિમુનિઓ, પરમેશ્વરના પયગંબરો, મહાકવિઓ, લોકનેતાઓ. ધર્માચાર્યો, ન્યાયમૂર્તિઓ, જનતાની પંચાયતો,