પૃષ્ઠ:Mansaina Diva.pdf/૨૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દધીચના દીકરા
૧૭૩
 

ભરીએ."

ઠાકોર કહે કે, "મારી ખાતર ભરો."

"ના, ના, તમારી ખાતર કંઈ નાક ના અલાય."

"તો હું બળજબરીથી લઈશ."

એનો જવાબ દેવા દધીચપુત્ર જીવરામ ઊઠ્યા : "શું કહો છો, ઠાકોર ! પરાણે લેશો ? તાકાત હોય તો નાંણી જોઈએ. બોલો : બાથંબાથાં આવવું છે ? તૈયાર છીએ ! પૈસાથી મુકાબલો કરવો છે ? તૈયાર છીએ ! અને હથિયારથી ? તો પણ તૈયાર છીએ !"

એમ તો એક પણ રીતે ઠાકોર તૈયાર નહોતા; પણ એણે બ્રાહ્મણ ખેડુતોને લુહાર-સુતાર બંધ કરાવ્યા.

એટલે જીવરામ બ્રાહ્મણે પોતે કોઢ ચાલુ કરી પોતે સૌનાં ઓજાર ઘડવા બેઠા. દહેવાણે હૈડિયા વેરો ન આપ્યો તે ન જ આપ્યો.

જે ઠેકાણે આ દધીચોએ ઠાકોરને આ જવાબ આપેલો તે બ્રાહ્મણ-ખડકી મને મહારાજે દહેવાણમાં બતાવી પણ જીવરામભાઈનો મેળાપ થવો રહી ગયો.



૫. બંદૂકની સામે બ્રાહ્મણ

ઠાકોર નારસંગજી પણ ગુજરી ગયા છે, નહીંતર એમને મળવાનુંયે મન હતું, કારણ કે એમની સાથે મહારાજને પોતાને પડેલી એક વસમા પ્રસંગની વાત મારા દિલમાં રમતી હતી. હૈડિયા વેરાના મામલામાં મહારાજ એક દિવસ દહેવાણના દરબારગઢમાં જઈ ઊભા રહ્યા.

"પધારો, બાપજી !" નારસિંહજી ઠાકોરે આદર દીધો.

"હું આવ્યો છું તમને સાફ વાતો કહેવા." કહીને મહારાજે સ્પષ્ટ શબ્દોમાં એના ભરાડીપણાના પ્રસંગો કહેવા માંડ્યા. પણ ઠાકોરની બાહ્યલી મીઠાશ એ જેમ જેમ આ બ્રાહ્મણની વાણી સાંભળતા ગયા તેમ તેમ ઓસરતી ગઈ અને વાત 'તું-તા' પર આવી પહોંચી. પોતાની પાસે ભરેલી બંદૂક પડી હતી તેને ઠાકોર ચંચવાળવા લાગ્યા. એ ક્ષણે