પૃષ્ઠ:Mansaina Diva.pdf/૨૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૪
માણસાઈના દીવા
 

મહારાજે બળબળતે હૃદયે કહ્યું : "તું ક્ષત્રિય છે. હું છું બ્રાહ્મણ. તને મારા વિના - બ્રાહ્મણ વિના - તારા ધર્મનું સ્મરણ કોણ કરાવશે ? ને ક્ષત્રિય ધર્મ ચૂકશે એ બ્રાહ્મણથી કેમ જોયું જશે ? એમ કરતાં તો તારી બંદૂકે મારો નાશ થાય તે જ વધુ સારું."

સાંભળીને ઠાકોર નરમ પડ્યા. એણે છેવટે માફામાફી કરીને કહ્યું : "મહારાજ ! જો બ્રાહ્મણ ન હોત ને કોઈ બીજો હોત, તો આટલા શબ્દોનો જવાબ મેં ક્યારનો બંદૂકથી આપ્યો હોત. પણ હું લાચાર બનું છું. તમે મને કહેવા લાયક છો, હું તમારી માફી યાચું છું."



ગોળીઓના ટોચા

દહેવાણથી સાંજે ગોળવા ગયા. ત્યાં પણ દધીચ બ્રાહ્મણ ખેડુ બાપુલાલભાઈને ઘેર ઊતર્યા. એ ઘરનાં મૂલ માલિક નાથીબા ગુજરી ગયાં છે. ૧૯૩૦ના એપ્રિલમાં એ ડોસી અઠ્ઠાણું વર્ષની વયનાં હતાં ત્યારે એણે કાનપુરા જઈને દાંડી-પ્રયાણ કરતા ગાંધીજીને આશીર્વાદ અપ્યા હતા.

આ દધીચની ડેલી પર મને બંદૂકની ગોળીનો ઘા દેખાડવામાં આવ્યો. સામે જ આવેલા મંદિરમાંની ખડકી પર પણ બંદૂકની ત્રણ ગોળીના ટોચા હજુ મોજૂદ છે. એ ગોળીઓ દહેવાન-ઠાકોર સ્વ. નારસિંહજીની બંદૂકની છે. એ નિશાનીઓ શોષકના ખુન્નસની છે એથી વિશેષ તો શોષિતોની ઠંડી તાકાતની છે. શોષિતો એટલે ગોળવાના ખેડુતો. ગોળવા, દહેવાણ, કાનપુરા : આખા કાંઠાનાં ગામો આદિકાળ તો આ પ્રજાનાં હતાં. એમાં એક દિવસ આ મહીડાઓની ને કોળી ઠાકોરની તલવાર કોણ જાણે ક્યાંથી ધસી આવીને ફરી વળી હશે, ગામો એ તલવારધારીઓનાં બન્યાં હશે અને તલવાર ફક્ત સાંથ (મહેસૂલ) ઉઘરાવવાનો હક મળી ગયો હશે.

પણ તલવારો તો કટાઈ ગઈ. તલવાર ઝાલનારા પંજા પરદેશી રાજનાં ચરણની ધૂળ ઉઠાવતા થયા. એમાં એક પેઢીએ દહેવાણમાં ઠાકોર