પૃષ્ઠ:Mansaina Diva.pdf/૨૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દધીચના દીકરા
૧૭૫
 

નારસંગજી થયા.

એમણે પોતાના ગોળવા ગામ પર સાંથ વધારવાનો, ખેતરાં ખાલી કરાવવાનો ને ઝાડપાન કાપવાનો અધિકાર ઠોકી બેસાડવાની તક મળી જોઈ. પણ દધીચોએ અને પાટણવાડિયાઓએ સામા મોરચા માંડ્યા, રાષ્ટ્રીય સ્વયંસેવકોએ લડતને દોરવવા ગોળવે છાવણી નાખી. છાવણી મંદિરમાં પડી, ને નાથીબા છાવણીના તમામ સ્વયંસેવકોને જ નહીં પણ જે કોઈ આંગણે આવે તેને વિના ભયે જમાડવા લાગ્યાં.

એથી ખુન્નસે ભરાઈને એક દિવસ ઠાકોરના ભાઈ ભરી બંદૂકે આવ્યા. ધડ-ધડ-ધડ એ બેઉ આશ્રયસ્થાનો પર બંદૂક છોડી. માણસો તો બચી ગયાં. બંદૂકવાળો ઝંખવાઈને પાછો ગયો. પણ દહેવાણથી ગોળવે આવતા એક સ્વયંસેવકને ઠાકોર નારસંગજીએ માર મારેલો તેની ખબર મહારાજ તે ટાણે બારડોલી હતા ત્યાં પડી. ત્યાંથી મહારાજ ઊપડ્યા, સીધા દહેવાણમાં દરબારને બંગલે ગયા. ઠાકોર કહે : "પધારો." મહારાજ કહે કે, "એને, સ્વયંસેવકને, શા માટે માર્યો ? મને મારો ને તમારા હાથ ટાઢા કરો. હું એટલા માટે જ આવ્યો છું." ફોજદાર આવી પહોંચ્યા. વાત ટાઢી પાડી. ઠાકોર ચૂપ બન્યા. ગોળવાના ગોળીબારની વાત પણ સંકેલાઈ, અને લડતમાં છેવટે સમાધાન થયું.

કોતરોનાં વર્ષાજળે તોડી,-ખૂંદી જુદા જુદા ટેકરામાં વહેંચી નાખેલું છતાં ગોળવા રૂપાળું લાગ્યું. ચાર દિવસે સરખું ખડકીબંધ ફળીવાળું ઘર જોવા મળ્યું. (મોટે ભાગે આ પ્રદેશમાં વસ્તીનાં ઘર એક જ પછીતે, એક જ ઓસરીએ, પોળ જેવા લાંબા ફળીમાં આવેલાં હોય છે.) ને અમારું ડમણિયું ગાજણે આવી પહોંચ્યું.

હૈડિયા વેરાના મામલામાં જેમ દહેવાણ તેમ ગાજણા ઘણું ઐતિહાસિક બન્યું છે, એટલે ગાજણાની એક રાત્રિનો મહારાજનો અનુભવ સાંભળ્યો હતો ત્યારથી ગાજણા જોવાની ઉમેદ હતી. વાત આમ હતી :