પૃષ્ઠ:Mansaina Diva.pdf/૨૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૮
માણસાઈના દીવા
 


“ક્યાં ?”

“મારે ઘેર.”

“પણ તમને ઠાકોર ...”

“સવારે ઊઠીને ઠાકોર છો મને ફાંસી મોકલાવે. અત્યારે હું મારા ગામને ટીંબે એક બ્રાહ્મણને ભૂખ્યો-તરસ્યો નહીં રહેવા દઉં.”

આ માણસની સચ્ચાઈની પ્રતીતિ થતાં મહારાજ એની સાથે ચાલ્યા. ઘેર જઈને એ ગરાસિયા ભાઈ મહારાજને કહે : "ચાલો, રસોઈ કરો.”

“હું એક જ ટાણું જમું છું.”

“ના, નહીં જ ચાલે.”

ઘણી રકઝક પછી મહારાજે કુલેર ખાવાની હા કહી. અથાણું ને કુલેર ખવરાવ્યાં ત્યારે જ એ ગરાસિયાને જંપ વળ્યો. પછી મહારાજે કહ્યું : "મારે આ ગામનાં લોકોને મળવું છે. એનું કંઈ ના થઈ શકે ?”

"ના શા સારુ થઈ શકે ? ચાલો એકઠાં કરીએ.”

“પણ ક્યાં ?”

“સ્વામીનારાયણના મંદિરમાં.”

“પણ ત્યાં તો દરબારગઢ છે. લોકો ડરશે.”

“પણ બીજી કોઈ જગા નથી. છોને ઠાકોર સાહેબ પણ સાંભળે !”

જોતજોતામાં તો મંદિરનો ચોક લોકોથી છલકાઈ ઊઠ્યો.

અને મહારાજે હૈડિયા વેરો ન ભરવાનું ભાષણ કર્યું. સવારે એ તો જતા રહ્યા, પણ પાછળથી પેલા ગરાસિયાને ઠાકોરે તેડાવ્યા. પૂછ્યું : "ચ્યમ ભાષણ કરાવ્યું ?”

ગરાસિયાએ જવાબ દીધો : "એ તો જેને સાંભળવું હતું તે સૌ આવ્યાં; ન'તું સાંભળવું તેને કોઈ બળજબરીથી તેડવા ગયું હતું ? અને નથી વળી કોણે સાંભળ્યું ! કો'ક છતરાયાં સાંભળવા બેઠાં, તો બીજાં વળી મોં સંતાડીને બારણાં પાછળ બેસીને સાંભળતાં હશે !”

પાછળથી આ ગરાસિયાને કોઈ બીજા આરોપસર સહન કરવું