પૃષ્ઠ:Mansaina Diva.pdf/૨૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હૈડિયાવેરાનાં સ્મરણો
૧૭૯
 

પડ્યું હતું.

એ ઇતિહાસની તાજી યાદ લઈને અમે ગાજણામાં ગયા. એ ઠાકોર તો વર્ષોથી વિદેહ બન્યા છે, ને એમના પુત્ર – નવા ઠાકોર શ્રી મહેરામણસિંહજી મહીડા - જેમને આગલે જ દિવસે સરકારે 'ઑનરરી મૅજિસ્ટ્રેટ'ની પદવી દીધી હતી, તેમને મળવા મહારાજ અમને લઈ ગયા. ત્યાં મહારાજે સ્વ. ઠાકોરની તસ્વીર જોઈ પોતાને એમની સાથે પડેલા પ્રસંગનો ઉલ્લેખ કર્યો, ત્યારે શ્રી મહેરામણસિંહજીએ ઝંખવાઈ જઈને ફક્ત એટલું જ કહ્યું કે, “હું તે વખતે આબકારી ખાતામાં સરકારી નોકરી પર હતો.” આ શબ્દો તેમનું સૌજન્ય બતાવતા હતા, પેલા ગરાસિયા ભાઈ, જેમણે મહારાજને ધર્મશાળાએથી પોતાને ઘેર લીધેલા, તે તો ઠાકોરના ભાણેજ ગગુભાઈ હતા, એમ આ પ્રવાસમાં જાણ થઈ. મેળાપ ન થયો.

અમે ગાજણા છોડ્યું ત્યારે હૈડિયા વેરાની લડતના વિજયનો ઇતિહાસ – હું સ્મૃતિમાં ફરી વાર વાંચી ગયો. કેટલીક રમૂજો મને યાદ આવી.


સ્વયંસેવકની શી જરૂર છે ?

મહારાજનો કાયમી મુકામ કઠાણામાં ઇચ્છાબાની તળિયે ઘી સંતાડેલી ખીચડી ખાતા ને સતત કાંતતા મહારાજના કાર્યસાથી એક 'બોડકા મા'રાજ' હતા. મૂળ નામ તો ગણપતિશંકર પણ લોકોએ હુલાવ્યા 'બોડકા મા'રાજ' કહીને. બોડકા મહારાજ બોલે નહીં ખાવા ટાણે કોઈ પણ એક ઘેર જઈને ઊભા રહે. માગે નહીં. જે કંઈ હાથમાં મુકાય તે ખાઈને ગુજારો કરે.

એક રાતે કઠાણામાં મહારાજને સૂતેલા જગાડ્યા.

“કેમ ?”

“બોરસદથી માણસ આવ્યો છે.”