પૃષ્ઠ:Mansaina Diva.pdf/૨૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હૈડિયાવેરાનાં સ્મરણો
૧૮૧
 

પછી તો ઘણાં લલકારી ઊઠ્યાં : "જોજો હાં, મહારાજની આબરૂનો આ સવાલ છે. આપણા ગામમાં મહારાજની આબરૂ નહિ જવા દઈએ.”


ઘંટી તો દીધી સરકારને

લોકો જે બોલ્યાં તે પાળી બતાવ્યું. લોકોને એક જ વાતની ચોટ લાગી ગઈ કે જો હૈડિયાવેરા ભરીએ તો તો આપણે લૂંટારુઓને આશરો આપ્યો છે એ વાત સાચી બને, એ કલંક આપણે શિરે ચડે. ક્યાંય તેઓએ જપ્તી થવા દીધી નહીં. સરકારી અમલદારો હાથ ઘસતા પાછા ગયા.

દોઢ મહિનાની અટંકી લડાઈને અંતે સરકારે હૈડિયાવેરાનો હુકમ પાછો ખેંચી લીધો. જપ્તીમાં લીધેલો માલ જણ-જણને પાછો મળ્યો.

“અલ્યા એઈ !” સરકારી માણસે એક પાટીદારને કહ્યું : "તારી જપ્તીની ઘંટી લઈ જા.”

“મેં તો સરકારને એ દરવા દઈ દીધી છે.”

“ના, પણ અમારે પાછી આલવી જોઈએ.”

“તો પાછી મૂકી જા ઘેર લાવીને.”

ઘંટી એને ઘેર લાવવામાં આવી એટલે એણે કહ્યું : "કાં તો પાછી લઈ જાઓ, અગર જો મૂકવી હોય તો એમ નહીં મુકાય.”

“ત્યારે ?”

“જ્યાં હતી તે જ ઠેકાણે મૂકી આલ્ય. ને એની પાટલી, ખીલમાકડી વગેરે પૂરેપૂરાં સાધન જેમ અસલ હતાં તેમ ગોઠવી દે.”

આખરે એ અસલ જેવી સ્થિતિમાં ઘંટી મુકાવ્યે જ રહ્યો !