પૃષ્ઠ:Mansaina Diva.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સંસ્કૃતિ-સુધારનો કીમતી દસ્તાવેજ
[૨૧]
 

ન્યાતના આગેવાનો, ભાટ અને ચારણો, જૂના જમાનાનું સ્મરણ રાખતી ડોશીઓ અને કઠણ પ્રસંગે પાકટ સલાહ આપનાર ડોસાઓ, જુનવાણી રિવાજો સામે જેહાદ પોકારનારા સુધારક યુવકો અને અસહ્ય અન્યાય સામે શિર સાટેની પણ ઢંગધડા વગરની જેહાદ ચલાવનારા બહારવટિયાઓ – બધાં જ પોતપોતાની ઢબે જીવનના આદર્શો ઘડતાં આવ્યાં છે. દરેક વર્ગ પોતપોતાના જીવનદર્શન પ્રમાણે આ આદર્શો ઘડતો આવ્યો છે.

દરેક જીવનદર્શન સરખું નથી હોતું. બહુ જ થોડા લોકોનું જીવનદર્શન સંપૂર્ણ અથવા સર્વાંગીણ હોય છે. દરેકની અનુભૂતિ જેટલી ઊંડી કે વ્યાપક હોય, એટલી જ એની જીવનસમૃદ્ધિ અને જેટલી જીવનસમૃદ્ધિ, તેટલું જ એનું જીવનદર્શન. ઘણાંખરાંનું જીવનદર્શન એમના સ્વભાવદોષને કારણે વિકૃત પણ હોય છે. એકાંગિતા એ માણસને મોટામાં મોટો શાપ છે. એને કારણે જીવનદૃષ્ટિ વિકૃત થાય છે અને માણસ જીવનસાફલ્ય ખોઈ બેસે છે એટલું જ નહિ પણ એની પ્રવૃત્તિ જીવન માટે શાપરૂપ પણ નીવડે છે.

કોઈની જીવનદૃષ્ટિ સુધારવી એ એની ઉત્તમમાં ઉત્તમ સેવા છે. એવી સેવા જે કરે તે જ નવા અર્થમાં સાચો બ્રાહ્મણ છે.

આ થોડાંક સરખાં રેખાચિત્રો દ્વારા શ્રી રવિશંકર મહારાજે આપણને પાટણવાડિયા જેવી બાહોશ પણ દુર્દેવી કોમના જીવનદર્શનની ઝંખી સમતાપૂર્વક કરાવી છે, અને એનું એ જીવનદર્શન સુધારવા માટે એમણે કેટલી તત્ત્વનિષ્ઠા, ધીરજ અને કુનેહ વાપરી છે, એનું પા અહીં આપણને પવિત્ર દર્શન થાય છે.

ધીરજ અને કુનેહ, એ જેટલાં ડહાપણથી આવે છે તેના કરતાંય વધારે ઉત્કટ પ્રેમને લીધે આવે છે. વિષયીક પ્રેમ અને અહંપ્રેમ ભલે આંધળો હોય, પણ નિર્હેતુક અને શુદ્ધ એવા પ્રેમની દૃષ્ટિ તો લગભગ દિવ્ય હોય છે. કેળવેલા ડહાપણ કરતાં પ્રેમનું ડહાપણ આખરે બધી રીતે શ્રેષ્ઠ અને કલ્યાણકારી નીવડ્યું છે. શુદ્ધ પ્રેમને લીધે થયેલી ભૂલો પણ સમાજને અંતે ઉપર જ ચડાવે છે.

પ્રેમ અને તત્ત્વનિષ્ઠા મૂળમાં એક જ વસ્તુ છે. પ્રેમની ભક્તિ સગુણ