પૃષ્ઠ:Mansaina Diva.pdf/૨૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૬
માણસાઈના દીવા
 


"એ જંજીરો છે - જંજીરો ! પીઓ તમ-તારે !" મુખીએ કહ્યું અને બીજા સૌએ સૂર પૂરાવ્યો : "હા, પીઓ, મહારાજ."

"શા સારું પીઉં ?"

"એ પીવાથી તાવ ન આવે , ને શરીર ટાઢું હેમ પડી જાય."

"પણ મને તાવેય આવતો નથી, ને શરીર ટાઢું જ છે."

"અરે પીઓ, પીઓ ! તમારે સારુ ખાસ મંગાવી આણી છે."

જંજીરો ! જંજીરો વળી શું ? સોડા-લેમન વગેરે શહેરી પીણાંના જેવા કોઈક પીણાની આ શીશી હતી. મહારાજને કંઈક સમજ પડી : જંજીરો ! જીંજર ! પછી પોતે કહ્યું : "એ ફોડી નાખો."

"અરે, પૈસા દેવા પડે."

"તો ઢોળી નાખો."

"કેમ વળી ?"

"આવું શા સારુ પીઉં ? તમે આ શહેરી છંદે ક્યાંથી ચડ્યાં ? આમાં શું બળ્યું છે ? રોટલા તો પૂરા પામતા નથી ને જંજીરો પીતાં શીખ્યાં ? ઢોળી નાખો."

"ના, ઢોળવી શીદ પડે ? આ છોકરો પી જશે."

ખસિયાણા પડેલા ઠાકરડાઓએ એ જીંજર એક બાળકને પાઈ દીધી.

વળતે દિવસે સૌ બેઠા હતા, ત્યાંથી એક ઢેડની છોકરી નીકળી. એના એક હાથમાં એક બાટલી હતી.

"જુઓ મહારાજ !" ઠાકરડા બોલી ઊઠ્યા : "જંજીરો તો આ ઢેડાં પણ પીએ છે. એંહ, જુઓ આ ઢેડની છોકરી પણ પીશે."

ફરી ફરી મહારાજના પેટમાં પ્રશ્ન ઊઠયો : આ ઝેર અહીં ગામડાંમાં કોણે પેસાડ્યું !