પૃષ્ઠ:Mansaina Diva.pdf/૨૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૮
માણસાઈના દીવા
 

કને મારેલી ડંફાસો તો ચારણીની એક જ ત્રાડે ઓલવાઈ ગઈ.

"પછી ઢોલ વાગ્યો. મને ખબર પડી કે સરઘસ નીકળ્યું. હું ત્યાં જઈ પહોંચ્યો. જોઉં છું તો આગળ એક નાનો પાડો, એને ગળે ફૂલની માળા. એની પાછળ નાની છોકરીઓનું ટોળું, એની પાછળ મોટી, એની પાછળ વૃદ્ધાઓ : એ બધી શું સુંદર રાગે ગાતી હતી ! એ સૂરો તો હજુય ફરી ફરી ફરી સાંભળવાં ગમે. પાછળ નાનામોટા ચારણો : નવા પોશક પહેરેલા, રંગબેરંગી ફેંટાનાં છોગાં લહેરાય, અને હાથમાં ઉઘાડી તલવારે. જેવાંતેવાંનાં તો હાજાં ગગડાવી નાખે તેવું એ ભયોત્તેજક દૃશ્ય હતું.

“એમાં એકાએક પેલા મંદિરનો પુરોહિત નારદજી દોડ્યો આવ્યો. એણે સરઘસ આડા ફરીને કેટલાય શાપો સંભળાવ્યા. પણ પાડાને લઈને સરઘસ તો ચાલ્યું જ ગયું. મને ખબર નથી પડતી કે મને શું થયું, પણ હું પાછળ ને પાછળ ચાલ્યો. સરઘસની પાછળ પાછળ મંદિરે પહોંચ્યો. બહાર મોદ (બૂંગણ) પથરાવીને ચારણો બેઠા હતા. મેં જઈને તેમને હયું કે, 'આ પાડાનો વધ શું ન અટકે ?' મને જવાબ મળ્યો : 'અટકે, બાપ ! - શા સારુ ન અટકે ? માતા છે : એની મરજી હોય તો ના કહી શકે છે. જાવ, પૂછો જઈને મંદિરમાં.'

“મંદિરમાંથી ગાણાંના સૂર આવતા હતા. હું મંદિરમાં દાખલ થયો એટલે ડોળા ઘુમાવતાં ચારણી સૂરજબાએ મને ત્રાડ દઈ પૂછ્યું : 'કેમ આવ્યો છે અહીં ?”

“મેં કહ્યું : 'પાડો ન મારો એમ કહેવા આવ્યો છું.'

“માતા ડોળા ઘુમાવીને તિરસ્કારથી બરાડ્યાં : 'જા, જા : નૈ તો તને જ ખાઈ જઈશ.'

“મેં કહ્યું : 'મને ખાવો હોય તો ખુશીથી ખાવ, કારણ કે હું મારી ઇચ્છાથી આવ્યો છું, પણ પાડાને શીદ મારો છો ? એ તો અનિચ્છાએ આવ્યો છે.'

“મારી વાત સાંભળી યુવાન ચારણીએ ભભૂકીને કહ્યું :