પૃષ્ઠ:Mansaina Diva.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૨૨]
માણસાઈના દીવા
 

હોય તો તત્ત્વનિષ્ઠાની ભક્તિ નિર્ગુણ હોય છે – એટલો જ ફેર પણ મૂળમાં બન્ને એક જ છે.

જંગલમાં રહેનારાં પશુઓની અંદર જીવનકલહ અાલે છે. પણ તેમના તે કલહને કારણે કોઈ તેમને ગુનેગાર કહેતાં નથી. જાનવરોને માટે 'ક્રૂર' અથવા 'સૌમ્ય'નાં વિશેષણો આપણે લગાડી શકીએ છીએ પણ તેમને આપણે ગુનેગાર કે પ્રમાણિક કહી શકતા નથી. એવો ભેદ તેમને માટે છે જ નહિ. તેઓ જંગલનો નિયમ પાળે છે.

કેટલાંક પ્રાણીઓમાં સામાજિક વૃત્તિ ઉત્કટપણે દેખાય છે. તેઓ અંદરોઅંદર સામાજિક વૃત્તિ અને સહાયવૃત્તિ, અમુક હદ સુધી, બતાવે છે અને આપણને આશ્ચર્ય પમાડે છે. કેટલાંક પ્રાણીઓ એવી સામાજિક વત્તિ ફક્ત પોતાનાં જીવનસાથી પ્રત્યે અને બચ્ચાંઓ પ્રત્યે જ બતાવી શકે છે બાકીની દુનિયા એમને માટે કાં તો ભક્ષ્ય છે અથવા શત્રુ છે.

માણસમાં સામાજિક વૃત્તિ ક્યારે ખીલી એનો ઇતિહાસ જડતો નથી. માણસ પ્રથમથી જ ઓછેવત્તે અંશે સામાજિક પ્રાણી છે અને તેથી એણે પોતાની પ્રાકૃતિક, આર્થિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિ પરત્વે જાતજાતના સામાજિક આદર્શો ઘડી કાઢ્યા છે. એ આદર્શો એને વખતોવખત બદલવા પડે છે એ ખરું પણ એક વખત ઘડાયા પછી, અને અમુક કાળ સુધી ટક્યા પછી, તે એવા તો દૃઢમૂળ થયા છે કે અંતે મનુષ્ય-સ્વભાવનું જ રૂપ ધારણ કરે છે.

એ આદર્શો ખીલવાનાં ક્ષેત્રો મુખ્યત્વે ચાર-પાંચ જ છે. કૌટુંબિક જીવન એ એક ક્ષેત્ર છે. એમાં લગ્નસંબંધ અથવા વૈવાહિક જીવનની શુદ્ધિ, મિલકત ઉપરનો કુટુંબીજનોનો સરખો જ સામુદાવિક હક્ક અને પરોણાગતના એટલે કે આથિત્યના ઉદાર આદર્શો – એ ત્રણ આ ક્ષેત્રનાં મુખ્ય તત્ત્વો છે.

કુટુંબ બહાર સામાજિક જીવનનાં તત્ત્વો ઉત્પન્ન થાય છે. એમાં પણ આતિથ્યનો આદર્શ, શરણાગતને રક્ષણ આપવાનો આદર્શ, અપમાન કે અન્યાય કરનાર વ્યક્તિ કે જાતિ પર બદલો લેવાનો આદર્શ, વ્યાજવટું કરવા-ન-કરવાનો આદર્શ, વચનપાલન, સત્યવાદિતા અને ન્યાયનિષ્ઠાનો આદર્શ – એ બધાં આ ક્ષેત્રમાં જ આવે છે.