પૃષ્ઠ:Mansaina Diva.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૨૪]
માણસાઈના દીવા
 

એટલાથી જ રવિશંકર મહારાજ રાજી થયા. એ દૃશ્ય એ આ બધા પ્રસંગોનો અને આજની માનવી-સંસ્કૃતિની ‘લેવલ’નો વાસ્તવિક ચિતાર છે.

અને ત્યાં જ અનાસક્ત પ્રેમધર્મી રવિશંકર મહારાજની ભવ્યતા મેં ભાળી છે. આવી અનાસક્ત પ્રેમમૂર્તિ જ સંસ્કૃતિને ઊંચે ચડાવી શકે છે.

શ્રી મેઘાણીએ રજૂ કરેલી મહીકાંઠાની આ જીવનકથામાં સ્નાન કરીને તીર્થસ્નાનની ધન્યતા હું અનુભવું છું. આશા રાખું છું કે વાચકોને પણ એ જ અનુભવ થશે.

રાનીપરજની તેમ જ દૂબળાં હળપતિની સેવા કરનારા મારા મિત્ર જુગતરામ દવે સાથે એમના ક્ષેત્રમાં – તાપી, મીંઢોળ, પૂર્ણા અને વાલ્મિકી નદીઓને કાંઠે – ફરતાં આ પ્રસ્તાવના કટકે કટકે લખી છે, એ પણ એક આનંદનો વિષય છે.

સન ૧૯૪૫ : શરદ-પૂનમ
કાકા કાલેલકર
 
  • કાકાસાહેબની આ પ્રસ્તાવનાનો મારા નિવેદનમાં ઉલ્લેખ સરખોય નથી એથી વાચકોને નવાઈ લાગશે. એ ઉલ્લેખથી મારું નિવેદન વંચિત રહ્યું છે, કારણ કે ભાઈશ્રી ઈશ્વરલાલ દવેએ કાકાસાહેબ પાસેથી પ્રસ્તાવના માગી છે, અને કાકાસાહેબે સહર્ષ એ લખી આપવાનું સ્વીકાર્યું છે, તેની ખબર મને નિવેદન છપાઈ ગયા પછી પડી. આ પ્રસ્તાવનાને વાઙ્‌મયના ક્ષેત્રમાંના એક માનાર્હ વડીલની મમતા તેમ જ આશીર્વાદની પ્રસાદી માનું છું. ગુજરાતના ભલભલા લેખકો પોતાની કૃતિને માટે જેમનાં અલ્પઆશીર્વચનો મેળવવા પણ તપશ્ચર્યા કરે છે તેવા કાકાસાહેબ મારા પર આપોઆપ મુક્તમેઘધારે વરસ્યા છે, એ કંઈ નાનુંસૂનું સદ્‍ભાગ્ય નથી. પ્રભુ પાસે પ્રાર્થું છું કે આ પ્રશંસાને પાત્ર બનવા મને સદાકાળ પ્રયત્નશીલ રાખે.
બોટાદ : ૨-૧૧-'૪૫ : ધનતેરસ
ઝવેરચંદ મેઘાણી