પૃષ્ઠ:Mansaina Diva.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પ્રસ્તુત પુસ્તક ગુજરાતના અનન્ય લોકસેવક રવિશંકર મહારાજની અનુભવમાલાનો એક મણકો છે.○○○ ક્વચિત્‌ સ્ખલનશીલ તો ક્વચિત્‌ સંતને સરમાવે એવાં શીલયુક્ત, ક્વચિત્‌ મૂર્તિમંત તિતિક્ષાના અવતાર જેવા તો ક્વચિત્‌ આવેશમાં આવી જઈને ખૂન પણ કરી બેસનારાં સશસ્ત્ર સૈનિકોનાં હાજાં ગગડાવી નાખનારાં છતાં સાચા પ્રેમને ઓખી તેને વશ થનારાં, ગુનાઓ કરીને જાતે જ કબૂલી લેનારાં, ઉદાર, ભોળાં, નિખાલસ માનવીઓનો આમાં પરિચય છે. માથાં વાઢી નાખે એવાં માનવીઓની વચ્ચે, મહાસર્પોને વશ કરનાર મદારીની જેમ પ્રેમધર્મનો જાદુઈ મંત્ર લઈને ફરતા તપસ્વી રવિશંકર મહારાજની મૂર્તિ પણ તાદૃશ થાય છે. ધરતીનો સાચો સંત અને ધરતીનાં સાચાં સંતાન કેવાં હોય એ જેને યથાર્થ રીતે સમજવું હોય તેને માટે આ પુસ્તક આપણી ભાષામાં અદ્વિતીય છે.

આ પુસ્તક વાંચ્યા પછી ખાતરી થયા વિના રહેશે નહીં કે ગુનેગારો જન્મતાં નથી પણ ભોળાં માનવીઓને પીલીપીલીને પ્રયત્નપૂર્વક ગુનેગારો બનાવવામાં આવે છે. બાબર દેવા જેવો પોચો ભગત ભયંકર લૂંટારો અને ખૂની બની જાય એ આપણા પોલીસતંત્રની બલિહારી છે. અને મોતી બારૈયા જેવા માણસને ગુનેગાર ગણવો પડે એ આપણી સમાજરચનાનાં મૂળમાં કેવી વિકૃત્ વિડંબના ભરી પડી છે તેનું જ્વલંત દૃષ્ટાંત છે.○○○

આખું પુસ્તક કારુણ્યથી ભરપૂર છે અને એ કારુણ્યની નદી વહેવડાવનાર સ્થિતપ્રજ્ઞ મહારાજ રવિશંકર આકાશગામી મહામેઘની માફક અસંગ અથવા સકળસંગ રહીને પ્રતિપળ જાણે કે તીવ્ર પ્રેમની વર્ષા વરસાવ્યા જ કરે છે. આવી પ્રેમવર્ષાને પ્રતાપે તો મરુભૂમિમાં પણ હરિયાળી ફૂટે તો રસાળ મહીકાંઠાનાં ભોળાં માનવીઓનાં હૈયાં એથી લીલાં થાય એમાં નવાઈ પણ શી? પ્રસ્તુત પુસ્તક એ રીતે સંતસમાગમના પારસસ્પર્શે લોઢામાંથી કુંદન થયેલાં અનેક માનવીઓનાં જીવનપરિવર્તનનો અમોલો ઇતિહાસ છે.

રામપ્રસાદ શુક્લ
 
[28]