પૃષ્ઠ:Mansaina Diva.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
‘હું આવ્યો છું, બહારવટું શીખવવા –’
 

"આગર્ય નકામાં લોકો સે, મહારાજ !" (આગળ નકામાં લોકો—એટલે હરામખોરો—છે.)

"કોણ—બહારવટિયા ?"

"હા, નામદારિયો."

"ફિકર નહિ, પૂંજા ! હું એમની જ શોધમાં છું." બ્રાહ્મણના મોંમાથી ટપ દેતો એ બોલ નીકળી પડ્યો.

આંહીથી શરૂ કરીને આ બ્રાહ્મણ મુસાફર, આ ધારાળા ઠાકરડાના ગોર, પોતે જે કંઈ બોલતા ગયા તેમ જ વર્તન કરતા ગયા તેમાં પૂરેપૂરો વિચાર હતો કે કેમ, તે તો એ મુસાફર જો તમને કોઈ ને આજે મળશે તો પણ કહી શકાશે નહિ. કદાચ એ એમ જ કહેશે કે આ ક્ષણથી એમણે કરેલ વર્તનનો કાબૂ એમના નહિ પણ કોઈક બીજાના હાથમાં હતો. એ બેજું કોણ? તો એનો સંતોષપ્રદ જવાબ એ તમને આજે પણ આપી શકશે નહિ. એણે ફરીથી કહ્યું:

"હું એમની જ શોધમાં છું, પૂંજા ! મારે એમને મળવું છે."

"બોલો ના, બાપજી!" હેતબાઈ ગયેલ પૂંજાએ અંધારે અંધારે જીભ ઉપાડી : "એ લોકો તમારી ઇજ્જત લેશે."

"મારી ઇજ્જત ! પૂંજા ! મારી ઇજ્જત તેઓ ન લઈ શકે તેવી છે. ચાલ, મને તેમનો ભેટો કરાવ."

"બોલશો ના, બાપજી ! હું તમને જવા પણ દઉં નહિ ને સાથે આવું પણ નહિ. એ લોકો તમારા પર કંઈક કરે, તો હું તમને બચાવી શકું નહિ; એટલે મારે મરવું પડે. પાછા હીંડો–કહું છું; એવા એ તમને બાન પકડી રોકી રાખશે."

'બાન પકડી.....!' આ શબ્દોએ મુસાફરના મગજમાં વીજળીનો ઝબકારો કર્યો. અત્યાર સુધી એને એ ઓસાણ જ નહોતું ગયું; એક જ વિચાર મગજમાં રમતો હતો કે ડાકુઓને ખપ લાગે તેવું કશું પોતાની પાસે નથી. પણ બાન પકડવાની વાતે એને જાગ્રત કર્યા. બાન પકડે