પૃષ્ઠ:Mansaina Diva.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
માણસાઈના દીવા
 

છે; બાનને છોડાવવા બદલ મોટી મોટી રકમો માગે છે; અને મુદ્દતસર એ માગ્યાં મૂલ ન મળે તો આ લૂંટારા બાનને ઠાર મારે છે ! જાન ગુમાવવાનો તો શો ડર હોય ! પણ—પણ .... એકાએક એને યાદ આવ્યું કે પોતાની કને કોઈક એવી અમૂલ્ય વસ્તુ છે કે જે ડાકુઓના હાથમાં વેડફી દેવાય નહિ. પોતાના પ્રાણ અત્યારે એના પોતાના નહોતા રહ્યા.

પોતાની જિંદગીને એણે એક બીજે ઠેકાણે હોડમાં મૂકી દીધી હતી; ત્યારે નહિ, પણ ત્યારથી બે જ મહિના પછી એ પ્રાણનો ભોગ બીજે ચડાવવા માટે કોલ–દસ્તાવેજ થઈ ચૂક્યા હતા. માથું તો બારડોલીના મેદાનને અર્પણ બની ગયું હતું. ૧૯૨૨ની એ સાલ હતી. મહાત્મા ગાંધીએ બ્રિટિશ સરકારને બે માસની મહેતલ આપી હતી. હિંદને બે મહિનામાં જો સરકાર સ્વરાજ નહિ આપે, તો ગાંધી બળવો પોકારવાના હતા. ગુજરાત એ બળવાનો પહેલો બલિ બનવાનું હતું; દેશવ્યાપી લડતનાં પહેલાં તોરણ બારડોલીને બારણે બંધાવાનાં હતાં. અને ત્યાં સરકારની બંદૂકોની ધાણી ફૂટવાની હતી, એ વિશે તો કશો શક નહોતો. એ બંદૂકોની ગોળીઓ ખાવા માટે બે હજાર ઉમેદવારોએ પોતાના નામ નોંધાવ્યા હતાં, તેમાં બે નામો જરા વધુ લાડીલાં હતાં : એક મોહનલાલ કામેશ્વર પંડ્યાનું, ને બીજું આપણા બ્રાહ્મણ મુસાફરનું.

માથું તો ત્યાં જમા થઈ ગયું હતું. તે ઉપરાંત મૃત્યુનો એ મોકો કેટલો મંગળ, કેટલા થનગનાટ કરાવનારો, કેટલો અપૂર્વ લહાવ લેવાને હિલોળે ચડાવનારો હતો ! સપાટાબંધ આ મુસાફરની કલ્પનામાં એક દૃશ્ય અંકાયું : પાંચ જ દહાડા પર મહીકાંઠાના ખાનપુરા ગામમાં 'બારડોલી સંગ્રામ' નો સંદેશ સંભળાવતી જાહેર સભા મળી હતી. સભા પૂરી થઈ. ગામનો યુવાન મુખી પરશોતમ, સરકારી નોકર, આ બ્રાહ્મણની પાસે આવ્યો; એમને પોતાને ઘેર લઈ ગયો. ઘેર જઈને જુએ તો એણે પોતાના બે નાના દીકરાનાં નામ શૌકતઅલી–મહમદઅલી પાડેલાં—એક જાડીઓ ને એક પાતળો હતો તેથી જ તો ! આ બ્રાહ્મણે કહ્યું કે