પૃષ્ઠ:Mansaina Diva.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
'હું આવ્યો છું,બહારવટું શીખવવા -'
 

"પરશોતમ ! ત્યારે હવે નોકરી છોડોને !" મુખી કહે કે, "એ તો મારું શું ગજું !" પણ રાત પૂરી થઈ; સવારે એણે મહેમાનને જમાડીને કહ્યું  : "અહીં બેસો. આજ રાતે બૈરી સાથે બેસીને આખી રાત સંતલસ કરેલ છે; ને તે પછી આ રાજીનામું લખેલ છે, તે વાંચો." બ્રાહ્મણ વાંચતા ગયા તેમ તેમ તો ઊછળતા ગયા. રાજીનામું અતિ કડક હતું. એણે મુખી સામે જોયું. મુખી એ કહેવા માંડ્યું : "રાજીનામું હમણાં ને હમણાં સરકારને મોકલું—પણ એક શરતે : કે બારડોલીમાં જ્યારે ગોળીઓ ચાલે ત્યારે પહેલી ગોળી મને ખાવા દેવી, ને હું 'જય ભારતમાતા !' કહી પડું તે પછી જ બીજાનો વારો ગોળી ખાવાનો આવે—તે પૂર્વે નહિ. છે આ શરત કબૂલ ?"

એ પ્રસંગ યાદ આવ્યો. દિલ બોલ્યું : આવા રોમાંચક અને રાષ્ટ્રમંગલ મૃત્યુ પર્વને મેં અર્પણ કરેલી જિંદગી અહીં ડાકુઓના હાથમાં રોળાયે શો લાભ ! ચાલને, જીવ, પાછો ! પાછો ફરી જા, પાછો.... ચાલ પાછો..... ચાલ પાછો—

એ જ ક્ષણે એક બીજું દૃશ્ય બ્રાહ્મણની નજર સામે ઊભું થયું : ત્રણ જ દિવસ પરની રાતે વાસણા ગામના ચોકમાં બનેલો એ પ્રસંગ હતો. સેંકડો માણસોની ઠઠ હતી. ડાકુઓની રંઝાડ વિષેની એ સભા હતી. પોતે લોકોને બહારવટિયાની સામે પ્રાણ પાથરવા હાકલ્યા હતા. અને તે વખતે મહેમદાવાદ તાલુકાનો એક પાટીદાર ત્યાં પોતાની કથની કહેવા હાજર હતો. એણે કહેલી કથની આ હતી :

'બહારવટિયા અમારા ઘર પર આવ્યા : મારે કને બે જોટાળી બંદૂક હતી, તો પણ હું નાઠો : પાછળથી સુવાવડમાં પડેલી મારી બૈરીને તેમ જ આંધળી, બુઢ્ઢી માને બહારવટિયા માર મારી ગયા છે તેવા મને ખબર પડ્યા છે.' ભરી સભામાં આવું વર્ણન કરનાર એ ભીરુ પાટીદારને આ બ્રાહ્મણે તે જ વખતે કહ્યું હતું કે, "વાહવા ! ત્યારે હવે તો તમને મરકી, કોગળિયું કે કુદરતી મોત કદી જ નહિ આવે, ખરું ને ! શરમ નથી આવતી ?—કે તમારે કારણે સુવાવડમાં પડેલી તમારી