પૃષ્ઠ:Mansaina Diva.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
'હું આવ્યો છું, બહારવટું શીખવવા -'
 

વાર ખડખડાટ હસી પડ્યો. આજે એને મળો ને પૂછો તો એ નહિ કહી શકે કે એ હસવું એ ભયાનકતાની વચ્ચે એમને શેનાથી આવેલું. પણ એ તો ખડખડાટ હસ્યા, અને એણે પૂછ્યું : " કેમ ? તમે એકલા કેમ છો ? બીજા બધાં કંઈ (ક્યાં) છે ?"

આ ખડ–ખડ હાસ્ય અને તેની પછી તરત આવેલો આ વિચિત્ર પ્રશ્ન એ બંદૂકદારને હેબતાવવા બસ હતો. જવાબ એણે વાળ્યો નહિ, એટલે મુસાફરે ઝાંપલી ખોલીને અંદર જઈ ખેતરમાં ચાલવા માંડ્યું. બંદૂકદાર ચૂપચાપ એની પાછળ ચાલ્યો.

થોડે છેટે ગયા હશે ત્યાં તો મુસાફરે બીજા બે બંદૂકદારોને પોતાની સામે ખડા થયેલા દીઠા. તેઓ પણ મૂંગા હતાં.

"તમે બે જ કેમ ? બીજાઓ ક્યાં છે ?" મુસાફરના મોંમાંથી આપોઆપ એ–નો એ જ સવાલ સરી પડ્યો.

જવાબ કોઈએ વાળ્યો નહિ. પાછો મુસાફર આગળ વધ્યો એટલે એ બન્નેમાંથી અક્કકે બંદૂકદારે મુસાફરની ડાબી અને જમણી બાજુ ચાલવા માંડ્યું. ત્રીજો બંદૂકદાર તો એની પાછળ ચાલતો જ હતો. એવામાં એકાએક સામેથી અવાજ છૂટ્યો :

"ખબરદાર ! ત્યાં જ ઊભો રે'જે; નીકર ઠાર થશે."

તરત મુસાફર થંભી ગયો. બોલનારને એણે થોડે દૂર દીઠો—ઘોડે બેઠેલો. ત્રણ બંદૂકદારો પણ મુસાફરની ત્રણે બાજુએ ખડા રહ્યા.

"કુણ સે તુ ?" ઘોડાની પીઠ પરથી ફરીથી સવાલ આવ્યો.

"બહારવટિયો છું." મુસાફરે જવાબ વાળ્યો.

"અંઈં ચ્યમ આયો સે ?"

"થોડીક વાતો કરવા. તમારા સર્વ જણને મળી લેવા. ક્યાં છે એ બધા ?"

જવાબમાં ઘોડેસવાર કંઈ બોલ્યો નહિ, પણ આઠ-દસ નવા માણસો આવીને સામે ખડા થઈ ગયા. થોડીવારની ચૂપકીદી પછી મુસાફરે કહ્યું : "છેટે કેમ ઊભા છો ? પાસે આવો, અને બેસો."