પૃષ્ઠ:Mansaina Diva.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦
માણસાઈના દીવા
 

આજ્ઞાનું પાલન થતું હોય એમ એ આઠ-દસ જણા મુસાફરની સામે ભોંય પર બેસી ગયા. ત્રણ બંદૂકદારોએ બંદૂકો તૈયાર રાખીને ત્રણ દિશા પકડી લીધી હતી. ચોથી, સામી દિશામાં ઘોડેસવાર પોતાને સ્થાને ચોક્કસ નિશ્ચલ થઈ બેઠો હતો.

ફરી પાછો દૂરથી ઘોડેસવારે પ્રશ્ન કર્યો. "કુણ સે તું?"

"કહ્યું નહિ કે હું બહારવટિયો છું !"

"કોની ટોરીનો ?"

"ગાંધી મહાત્માની ટોળીનો."

સામે કોઈ પ્રશ્ન આવ્યો નહિ. ટોળીવાળાનું નામ સાંભળતા ડાકુઓ મૂંગા બન્યા. અને મુસાફરની જીભ એની મેળે જ આગળ ચાલી:

"હું ગાંધી મહાત્માની ટોળીનો એક સૈનિક છું ને તમને સાચા બહારવટાની રીત શીખવવા આવ્યો છું. કહેવા આવ્યો છું કે એમણે અંગ્રેજ સરકારની સામે બહારવટું માંડ્યું છે. આપણા બધાં દુઃખોનું મૂળ આ પરદેશી સરકાર છે. સાચું બહારવટું એમની સામે કરવાનું છે. તમારાં નાનાં બહારવટાંથી કશો દા'ડો વળે તેમ નથી. આજથી બે મહિને બારડોલીમાં સરકાર ગોળીઓ ચલાવશે. તમારે સાચું બહારવટું કરવું હોય તો ચાલો ગાંધી મહાત્મા કને. એ જ લોકોનું ભલું કરી રહ્યા છે.'

મુસાફર બોલી રહ્યો ત્યાં સુધી બારમાંથી કોઈ એ શબ્દ સરખોયે ઉચ્ચાર્યો નહિ. પછી ઘોડેસવારે પ્રશ્ન મૂક્યો :

"ગાંધી માત્મ્યાએ લોકોનું શું સારું કર્યું છે ?"

"જોયું નહિ અમદાવાદમાં !" મુસાફરને હોઠે એક એવી હકીકત હાજર થઈ કે જે ડાકુઓ પણ સમજી શકે :"મિલના શેઠિયા મજૂરોની રોજી વધારતા નહોતા, તે માટે ગાંધી માત્મ્યાએ લાંઘણો ખેંચી; અંતે વધારો અપાવ્યે જ રહ્યા."

આ વખતે સામે ભોંય પર બેઠેલાની ચૂપકીદી તૂટી, અને તે માંહેલા એકે સામો પ્રશ્ન પૂછ્યો :

"એમાં ગાંધી માત્મ્યાએ લોકોનું શું ભલું કર્યું ? વિશેષ બુરું કર્યું. શેઠિયા તો કાપડ પર એટલો ભાવ ચડાવશે. આપણને