પૃષ્ઠ:Mansaina Diva.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
'હું આવ્યો છું, બહારવટું શીખવવા -'
૧૧
 

સર્વને કાપડ વિશેષ મોંઘુ મળશે."

ઘડીભર મુસાફર ગમ ખાઈ ગયો. ડાકુના મોંમાંથી અણકલ્પી ચોટદાર દલીલ આવી હતી—જેવી ચોટદાર એની બંદૂકમાંથી છૂટતી ગોળી હોય છે તેવી ! પછી દલીલબાજીમાં પાવરધા પટ્ટા–ખેલાડીની બૌદ્ધિક ચપલતા નહિ, પણ અન્ન અને વસ્ત્ર એ જેનું સર્વસ્વ છે તેવા લોકસમૂહની આંતર-વેદના સમજનારા મુસાફરની જીભે જવાબ આવ્યો : "શેઠિયાના હાથમાં ન પડવું પડે તે માટે તો ગાંધી માત્મ્યાએ રેંટિયો બતાવ્યો છે. છોને શેઠિયા કાપડ મોંઘું કરે. આપણે રેંટિયે કાંતીને પહેરી શકીએ. ગાંધીએ સાધન પકડાવ્યું છે."

"નહિ રે નહિ, મહારાજ !" ટોળીમાંનો બીજો એક બોલ્યો ('મહારાજ' એવો શબ્દ ઉચ્ચારાતાં તો મુસાફરે જાણી લીધું કે પોતે ઓળખાયેલો છે) : " નહિ, મહારાજ ! એમ શું લોકો ગાંધી માત્મ્યાનો રેંટિયો કાંતવાના ?—એ તો કાંતશે અમારી બંદૂકો દેખશે ત્યારે !"

"તમે ચાલો ગાંધી માત્મ્યા કને. હું તમને તેડી જવા આવ્યો છું. એ તમને ઘણી વધી વાત સમજાવશે. ચાલો તમને મારામાં વિશ્વાસ ન હોય, તો તમારામાંથી એક જણ ચાલો. જો હું દગો રમું, તો તમે બાકી રહેલા મારા પર વેર લેજો."

"ગાંધી માત્મ્યા આપણા મલકમાં આવે ત્યારે વાત. મહારાજ ! ત્યારે અમે મળશું; હમણાં નહિ." ઘોડેસવારે જવાબ દીધો : "અમે ક્યાં ગરીબોને પીડીએ છીએ ? તમે જ બતાવો : પૈસાવાળા અથવા તો ગરીબોને પીડનારા સિવાયના કોઈને પણ અમે માર્યો–લૂંટ્યો છે ?"

"તમને શી ખબર ?" મુસાફરે કહ્યું : "તમારા આવવાના ખબર થાય છે કે તમામ લોકો ફફડી ઊઠે છે, નાસે છે, છુપાય છે; ખેડધંધો કરી શકતા નથી. અને તેમને સરકારી પોલીસ રંઝાડે છે, એ તો જુદું. તમારા ત્રાસની તમને ખબર નથી."

"પેટ માટે કરવું જ પડે તો !" એક ડાકુએ કહ્યું.

"પેટ માટે ! પેટ તમારું પ્રત્યેકનું મહિને પોણો મણ દાણો માગે