પૃષ્ઠ:Mansaina Diva.pdf/૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




જનતા જનેતા બની[૧]

ર્ષની ઉત્તમ કૃતિ લેખે તમે પુરસ્કારેલ મારી 'માણસાઈના દીવા' સંબંધે થોડું આત્મકથન કરું તો ક્ષમ્ય ગણજો. સહુની સાક્ષીએ એકરાર કરું છું કે વાઙ્‌મયના ગણનાપાત્ર ગ્રંથોનું મારું વાચન વિશાળ નથી. પરંતુ મારે સુભાગ્યે મને માનવ-જીવનનો મહાગ્રંથ વાંચવા મળ્યો, અને એણે મને લખતો કર્યો. સંસારનાં અનુભવ-પાનાં ઊઘડતાં ચાલ્યાં. ને એણે મને પાત્રો આપ્યાં વસ્તુસામગ્રી પૂરી પાડી. માનવ-જીભે મારા કાન મંડાયા. અને એ કથનનું પાન કરવાનો નાદ લાગ્યો. મારી ધરતી સૌરાષ્ટ્રની. એનાં સુખદુઃખની, એનાં શૌર્ય પરાક્રમની, એનાં સતીજતીઓનાં શીલસૌંદર્યની માનવકંઠમાં સંઘરાયેલી વાતો સાંભળવા મળી, ને એણે જન્માવેલી સંવેદનાએ મને વાણી પૂરી પાડી. જનતા મારી જનેતા બની.

ગુજરાત સમસ્તને એ મારાં લખાણો ગમ્યાં, તે સાથે એવો પણ એક અવાજ ઊઠ્યો કે, 'શું એકલી સૌરાષ્ટ્રભૂમિમાં જ આ શૌર્યસતીત્વ અને પ્રેમનો ઇતિહાસ પડ્યો છે ? ગુજરાતની માટી શું વાંઝણી છે ?' એના ઉત્તરમાં કોઈએ વળી કહ્યું પણ ખરું કે, કાઠિયાવાડમાં જે એકલ-વીરતાના પ્રબલ અંશો પ્રગટ થયા તેનું કારણ હતું : એ પ્રદેશ કદી કોઈ મહાસત્તાની આણ તળે નહિ મુકાયો હોવાથી ત્યાં વ્યક્તિ વીરત્વને ખેલવા મેદાન મળ્યું : જ્યારે ગુજરાત પર સુલતાનિયત, શહેનશાહત તેમ જ મરાઠી સત્તાનું વર્ચસ્વ એક પછી એક સ્થપાતાં રહ્યાં તે કારણે એવી એક રાજવ્યવસ્થા પ્રવર્તી રહી કે વ્યક્તિગત પ્રેમશૌર્ય—ખાનદાનીની લીલા પ્રમાણમાં ઓછી નીપજી.


[૪]
  1. 'મહિડા પારિતોષિક’ - સમારંભમાં આપેલો ઉત્તર