પૃષ્ઠ:Mansaina Diva.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
'હું આવ્યો છું, બહારવટું શીખવવા -'
૧૩
 

છે. મનમાં કંઈ લાવશો ના, હો મહારાજ ! કહેજો તમતમારા ગામલોકોને. અને તમે હવે જવું હોય તો જાઓ, મહારાજ. હીંડો, અમે મૂકવા આવીએ ?"

"મૂકવા આવવા જેવું લાગ્યું હોત તો એકલો આવત શાને ? એકલો જ હીંડ્યો જઈશ."

"વારુ, મહારાજ, જાઓ તમેતારે. "

એકલા ચાલ્યા જતા મુસાફરે છેટે નીકળી ગયા પછી સામટા બંદૂકોના બાર સાંભળ્યા. એ બંદૂકો બહરવટિયાએ હવામાં છોડી હતી.

મધરાતે સરસવણી પહોંચીને મુસાફરે તરત ગામ લોકોને જાગ્રત કર્યા હતા. પણ સરસવણી પર તો તે રાતે કે તે પછી કોઈ રાતે કોઈ લૂંટારુ ટોળી ત્રાટકી નહિ.