પૃષ્ઠ:Mansaina Diva.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.





એક હવાઈએ જલાવેલ જીંદગી


“ઓળખો છો?” પંચાવનેક વર્ષની ઉંમરનો, સુકાઈ ગયેલ એક કેદી-મુકાદમ સાબરમતી જેલમાં એક નવા આવેલ સાઠેક વર્ષના કેદીને ૧૯૪૨ની સાલમાં એક દિવસ આ પ્રશ્ન પૂછતે પૂછતે પગે લાગતો હતો.

“ના, ઓળખાણ પડતી નથી.” નવા કેદીએ પોતાનો સુક્કો ચહેરો હલાવીને એ મુકાદમ-કેદી પ્રત્યે અજાણપણું બતાવ્યું.

“યાદ તો કરોઃ ક્યાંક મને ભાળ્યો હશે !”

"યાદ આવતું નથી.” નવા કેદીએ ચહેરો ધારી ધારીને નિહાળ્યા પછી કહ્યું.

“યાદ નથી આવતું ! બસ ! તે દા'ડે રાત્રે વાત્રકકાંઠાના ખેતરામાં ઝાંપલી આડેથી કોઈ બંદૂકદાર ઊઠેલો...”

“હા!” વીસ વર્ષ પૂર્વે ભરકડા ગામથી સરસવણી ગામની મુસાફરીમાં બહારવટિયા ભેટેલા તે વાત યાદ આવતાં કેદીએ અચંબો અનુવ્યો, ને કહ્યુંઃ "એ...”

“એ બંદૂકદાર બહારવટિયો મોતી, હું પોતે!”

“ઓહો! મોતી! વીસ વર્ષ પૂર્વેનો તું...”

“હા, વીસ તો કાઢ્યાં ને હવે બત્રીસ બાકી છે!”

“ખરું મોતી, તને તો બાવન વર્ષની ટીપ પડી છે.”

૧૪